હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે કોંગ્રેસ અને નેતાઓ વિશે ખોટા આક્ષેપો કર્યા છે. વિધાનસભા ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. એમાં પણ હાર્દિકે એક બાદ એક નિવેદનો કરી રાજકીય હલચલ મચાવી દીધી છે. હાર્દિક પટેલે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સામે બાંયો ચડાવી છે. ગત રોજ પ્રેસ-કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર જાતિવાદથી લઈ ગુજરાતવિરોધી હોવાના આક્ષેપો કર્યા છે.
હાર્દિકે એક બાદ એક સનસનાટીપૂર્ણ આક્ષેપો કરતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને જવાબો આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ હાર્દિકના તમામ નિવેદનો વિરોધ કર્યો હતો. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાધેલાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે કોંગ્રેસ અને નેતાઓ વિશે ખોટા આક્ષેપો કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન બાદ હાર્દિકને કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરી હતી. કોંગ્રેસે જ્યારે હાર્દિકની પસંદગી કરી હતી કે, ત્યારે તે પુખ્તવયના જ હતાં. પાર્ટીએ નાની ઉંમરે હાર્દિકને ખૂબ મોટું પદ આપ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકના ચિકન સેન્ડવીચવાળું નિવેદન સાવ વાહિયાત કક્ષાનું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ રાહુલ ગાંધી વિશે જાે કંઈ પણ બોલશે તો યુથ કોંગ્રેસ વિરોધ કરશે. હાર્દિકે બોલેલા શબ્દો એના નથી, આયાતી વિચારોથી પ્રેસ કોંફરન્સ કરી રહી છે. હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. કોંગ્રેસ સાથે સંકળાયેલા અનેક કાર્યકરો પક્ષને મજબૂત કરશે. હાર્દિકના તમામ નિવેદનોનું યુથ કોંગ્રેસ વિરોધ કરે છે