ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાના સંકેત આપી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હવે નરેશ પટેલને ખુલ્લો પત્ર લખી સક્રિય રાજકારણમાં આવવાની અપીલ કરી છે. હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ પાટીદાર સમાજના હજારો યુવાનો બન્યા છે. બીજી તરફ પાટીદાર સમાજના હજારો પરિવારો પણ ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાનો સામનો કરે છે.
હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે વર્તમાન સરકાર અન્યાય કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાટીદાર ખેડૂત અને વેપારીઓને ભાજપ સરકાર પરેશાન કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તથા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પટેલે સત્તા પક્ષ પર પૈસા અને સરકારી તંત્રના જાેરે બેફામ બન્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડવા આમંત્રણ આપ્યું છે. ત્યારે નરેશ પટેલે આજે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કે, મને હજી પત્ર મળ્યો નથી. આવા આમંત્રણ દરેક પક્ષમાંથી આવે છે. હું યોગ્ય સમયે ર્નિણય લઈશ. પાટીદાર આંદોલન મુદ્દે કહ્યું કે, ફરી આંદોલન કરવા મુદ્દે મને કોઈ ખબર નથી. સરકાર કેસ જલદીથી પરત ખેંચે તે મુદ્દે મારે મુખ્યમંત્રી સાથે સતત સંપર્ક ચાલું છે. તેમજ આ મુદ્દે ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે.