દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (ડીઈઓ) અને સ્કૂલોને ભારત માતાનું પૂજન કરવાની સૂચના આપી છે. ૧ ઓગસ્ટથી તમામ સ્કૂલોમાં ભારત માતાનું પૂજન થાય અને તેના પર વ્યાખ્યાન આપવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ એવી પણ સૂચના અપાઈ છે કે, બધા જ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ભાગ લે તેની ખાતરી કરવી.
૨૮ જુલાઈએ બધી જ સરકારી, અર્ધસરકારી અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પણ આ અંગેની સૂચના મોકલી અપાઈ હતી. સરકારી પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ર્નિણય ૨૨ જુલાઈએ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ભારત માતાના પૂજન માટેની રજૂઆત કરી હતી. જેને માન્ય રાખવાનો ર્નિણય રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.
જાેકે, એક મુસ્લિમ સંગઠન જમાત ઉલ્મા ગુજરાતે આ ર્નિણયને ગેરબંધારણીય અને ગેરવાજબી ગણાવતાં પાછો ખેંચી લેવાની વિનંતી કરી છે. જમાત ઉલ્મા ગુજરાતનું કહેવું છે કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી માટે જે કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેને આવકારે છે અને તેમાં ભાગ લેવા માટે પણ તૈયાર છે પરંતુ સ્કૂલોમાં ફરજિયાત ભારત માતાના પૂજન કરવાના ર્નિણય સાથે સહમત નથી. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર અન્ય હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના માત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિનંતી પર જ ર્નિણય ના કરી શકે.
માત્ર એક જૂથની વિનંતી પર ર્નિણય લેવો અયોગ્ય, ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે, તેમ જમાતે ઉમેર્યું. વિરોધનું કારણ આપતાં જમાત ઉલ્મા ગુજરાતે કહ્યું, “ભારત માતાની પ્રાર્થના કરવાની સૂચના ઈસ્લામના પાયાના સિદ્ધાંતો અને ઈસ્લામમાં વિશ્વાસ ધરાવતા લોકોના હકની વિરુદ્ધમાં છે. ઈસ્લામમાં માનતા લોકો મૂર્તિપૂજા નથી કરતાં અને ઈસ્લામમાં મૂર્તિપૂજન પ્રતિબંધિત છે. મુસ્લિમો ક્યારેય મૂર્તિનું પૂજન નથી કરતાં અને જાે કરે તો તેમણે આ ધર્મ છોડવો પડે છે.
એટલે જ મુસ્લિમો કોઈપણ મૂર્તિની પૂજા નથી કરતાં પછી તે ભારત માતાની હોય કે અન્ય કોઈ.” ઉપરાંત જમાતનું કહેવું છે કે, સ્કૂલોમાં ભારત માતાની પૂજા કરવી એ સમાજના મૂળભૂત અધિકારોનું હનન છે અને એટલે જ ગેરબંધારણીય છે. ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મનિરપેક્ષતાના બંધારણીય હકને ટાંકતા તેમણે વધુમાં કહ્યું કે, સરકાર આ મુદ્દે બધા જ ધર્મો અને વર્ગોના લોકો સાથે ચર્ચા કર્યા બાદ ર્નિણય લઈ શકી હોત. તેમણે સત્તાધીશોને વિનંતી કરી છે કે, આ ર્નિણય તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવે. જમાતના એક હોદ્દેદારે કહ્યું કે, જાે આ ર્નિણય પાછો નહીં ખેંચાય તો તેઓ કોર્ટમાં જશે. મહત્વનું છે કે, જમાતે તાજેતરમાં જ સ્કૂલોના અભ્યાસક્રમમાં ભગવદ્ગીતાનો સમાવેશ કરવાના રાજ્ય સરકારના ર્નિણયને પણ પડકાર્યો છે.