ગુજરાતના ભરૂચ અને વડોદરામાં 2000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને મુંબઈ પોલીસને બે કેસમાં મોટી સફળતા મળી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મંગળવારે વડોદરા શહેર નજીકના એક ગોડાઉનમાંથી 200 કિલો પ્રતિબંધિત પદાર્થ મેફેડ્રોન (MD) જપ્ત કર્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 1,000 કરોડ છે. મેફેડ્રોન પાર્ટીઓમાં વપરાતું માદક દ્રવ્ય છે.
ATSના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનના માલિકો, કાયદેસર દવા બનાવવાની આડમાં, ભરૂચ જિલ્લામાં તેમની ફેક્ટરીમાં માદક દ્રવ્યોનું ઉત્પાદન કરતા હતા. તેમણે કહ્યું કે ફેક્ટરી સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSની ટીમે વહેલી સવારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને પ્રતિબંધિત શંકાસ્પદ માદક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
તેમણે કહ્યું, ‘જપ્ત કરાયેલ સામગ્રીના ફોરેન્સિક વિશ્લેષણથી પુષ્ટિ થઈ છે કે તે મેફેડ્રોન અથવા MD ડ્રગ છે. કુલ મળીને અમે 200 કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કર્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 1,000 કરોડ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, વિગતવાર તપાસ અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ફેક્ટરી સાથે જોડાયેલા કેટલાક લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
બીજા કિસ્સામાં, મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે માર્ચ મહિનામાં મુંબઈના ગોવંડી વિસ્તારમાંથી એક વ્યક્તિની 250 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. ત્યાર બાદ જ્યારે તપાસ આગળ વધી ત્યારે તેના વાયરો ગુજરાતના ભરૂચના અંકલેશ્વર સાથે જોડાયેલા હતા. 13 ઓગસ્ટના રોજ, પોલીસે ગુજરાતના અંકલેશ્વરમાં એક ફેક્ટરી પર દરોડો પાડ્યો, જ્યાં આ કેમિકલ દવાઓ બનાવવામાં આવતી હતી. આ ફેક્ટરીમાંથી, પોલીસે 7મા આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી 513 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું, જેની કિંમત 1026 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત પોલીસે સેંકડો કરોડની કિંમતનો કેટલોક કાચો માલ પણ જપ્ત કર્યો છે જેમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવે છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક મહિલા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે જેમાંથી 5ને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે જ્યારે 2 હજુ પોલીસ કસ્ટડીમાં છે. થોડા દિવસો પહેલા, મુંબઈ પોલીસે આ જ રેકેટ સાથે સંકળાયેલા બાકીના 6 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 1408 કરોડ રૂપિયાના 704 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યા હતા. બંને કાર્યવાહી સહિત, છેલ્લા કેટલાક મહિનામાં 7 આરોપીઓ પાસેથી 2400 કરોડથી વધુની દવાઓ જપ્ત કરવામાં આવી છે.