રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારના ભૂંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. મંગળવારે સવારે વધુ ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં વરરાજાના પિતાનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ સોમવારે રાત્રે વરરાજાની માતાનું અવસાન થયું હતું. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
બાડમેર જિલ્લાના ખોખસર (ગીડા)ના રહેવાસી વિજયસિંહની સૌથી નાની પુત્રી ઓમકંવરની લગ્નની જાન જોધપુરના શેરગઢ ભૂંગરાથી આવવાની હતી, જ્યાં એક દિવસમાં વરરાજા સહિત લગભગ 60 લોકો દાઝી ગયા હતા. આ સમાચાર દુલ્હનના ઘરે પહોંચતા જ લગ્ન માતમમાં ફેરવાઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, શેરગઢમાં ભૂંગરાથી નીકળ્યા બાદ ગુરુવારે સાંજે 4 વાગ્યે જાન બાડમેરના ખોખસર પહોંચવાનું હતું.
લગભગ 3.30 વાગ્યા હશે કે કન્યાના ભાઈ હેમસિંહે ફોન કર્યો અને પૂછયુ કે જાન નીકળી ગઈ છે કે નહીં? મેં ફોન કર્યો ત્યારે કોઈ બાળકે ફોન ઉપાડ્યો અને ફોન ચારેબાજુ રડવાનો અવાજ સંભળાયો. જ્યારે મેં બીજા કોઈ સાથે વાત કરી તો મને સમાચાર મળ્યા કે વરરાજાના ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે અકસ્માત થયો છે અને ઘણા લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ બધું સાંભળીને હેમસિંહના પગ નીચેથી જમીન સરકી ગઈ.
લગ્નની જાનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. કન્યાના ભાઈ હેમસિંહે જણાવ્યું કે ઘરમાં ધાર્મિક વિધિની તૈયારીઓ ચાલી રહી હતી. આ સાથે જ મંડપને પણ શણગારીને તૈયાર કરવામાં આવ્યો હતો. મહિલાઓ લગ્નગીતો ગાતી હતી. આ દરમિયાન તેણે ફોન કરીને લગ્નની જાન વિશે પૂછતાં અકસ્માતની જાણ થઈ હતી. દુલ્હનના પિતા વિજય સિંહ હાર્ટ પેશન્ટ છે, તેથી આ ઘટના તેમનાથી છુપાવવામાં આવી હતી.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. શેરગઢના ભૂંગરા ખાતે રહેતા સગતસિંહ ગોગાદેવના પુત્ર સુરેન્દ્રસિંહનું ગુરૂવારે જાન નીકળવાની હતી. આ દરમિયાન ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ પછી બીજા સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. અન્ય બે સિલિન્ડરોમાં પણ આગ લાગી હતી.
શેરગઢ પોલીસના કોન્સ્ટેબલ ડુંગર સિંહે ઘટનાસ્થળેથી સળગતા બે સિલિન્ડરને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલનો હાથ પણ દાઝી ગયો હતો. સિલિન્ડર ફાટવાને કારણે સમગ્ર સમારોહમાં આગ લાગી હતી જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયા હતા.