મહારાષ્ટ્રમાં મુંબઈના અંધેરી વિસ્તારમાં એક હોટલના રૂમમાં 30 વર્ષીય મોડલે કથિત રીતે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. વર્સોવા પોલીસે ADR હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોડલની લાશ હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ મોડલ હોટલમાં ચેક ઈન કરીને ડિનરનો ઓર્ડર આપ્યો હતો. આ પછી બીજા દિવસે હોટેલના વેઈટરે મોડલના રૂમની બેલ વગાડી, અવાજ લગાવ્યો પરંતુ રૂમ ખુલ્યો નહીં. ત્યારબાદ વેઈટરે આ માહિતી હોટલના મેનેજરને આપી. આ પછી મેનેજરે તરત જ પોલીસને ફોન કરીને તેની જાણકારી આપી. માહિતી મળતા જ પોલીસ હોટલ પર પહોંચી અને માસ્ટર કી વડે મોડલનો રૂમ ખોલ્યો. હોટલના રૂમનો દરવાજો ખોલતાં જ રૂમમાં પ્રવેશેલા લોકોના હોશ ઉડી ગયા હતા.
મોડલની લાશ પંખા સાથે લટકતી હતી. તેણે કથિત રીતે રૂમની અંદર આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસને હોટલમાં મોડલના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે માફ કરશો, આ માટે કોઈ જવાબદાર નથી. કોઈને પરેશાન ન કરો, હું ખુશ નથી, બસ શાંતિ ઈચ્છું છું. ADR હેઠળ કેસ નોંધ્યા બાદ વર્સોવા પોલીસે મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. કેસની તપાસ ચાલી રહી છે.