યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતીયોની વાપસી માટે 4 કેન્દ્રીય મંત્રી પાડોશી દેશ યુક્રેન જશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ સિંહ પુરી, જનરલ વીકે સિંહ અને કિરેન રિજિજુ પાડોશી દેશ યુક્રેનની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ પોલેન્ડ જશે અને હરદીપ સિંહ પુરી હંગેરી જશે.
વડાપ્રધાન મોદીએ આજે યુક્રેન કટોકટી પર એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુક્રેનના પડોશી દેશો સાથે સહયોગ વધારવા ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વિદેશ મંત્રાલયે રવિવારે યુક્રેનથી ભારતીયોને પાછા લાવવામાં મદદ કરવા માટે સત્તાવાર ટ્વિટર હેન્ડલ ‘ઓપગંગા હેલ્પલાઇન’ શરૂ કર્યું. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને ‘ઓપરેશન ગંગા’ નામ આપવામાં આવ્યું છે.
ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. માહિતી મુજબ ભારતે યુક્રેન પર રશિયાના હુમલા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) મતમાં ભાગ લીધો ન હતો, જોકે તેણે બેલારુસ સરહદ પર મંત્રણા કરવાના મોસ્કો અને કિવના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
આના બે દિવસ પહેલા રશિયાએ યુક્રેન વિરુદ્ધ રશિયન હુમલા પર યુએન સુરક્ષા પરિષદના પ્રસ્તાવને વીટો દ્વારા અવરોધિત કરી દીધો હતો. ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાતે આ ઠરાવ માટે મતદાનમાં ભાગ લીધો ન હતો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે ભારતે ભારતીય નાગરિકોની સુરક્ષા અને યુક્રેનમાંથી તેમને બહાર કાઢવામાં મદદ સુનિશ્ચિત કરવા માટે જીનીવા સ્થિત રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિનો પણ સંપર્ક કર્યો છે. શ્રિંગલાએ કહ્યું કે ભારતે યુક્રેનમાંથી તેના લગભગ 2,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને તેમાંથી 1,000 લોકોને હંગેરી અને રોમાનિયા થઈને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે.