વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ વચ્ચે આજે સમિટ બાદ ભારત અને માલદીવ વચ્ચે છ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ક્ષમતા નિર્માણ, સાયબર સુરક્ષા, હાઉસિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સમિટ પછી વડા પ્રધાન મોદીએ કહ્યું કે માલદીવને 100 મિલિયન યુએસ ડોલરની વધારાની ક્રેડિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે.
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને નવો જોશ મળ્યો છે અને નિકટતા વધી છે. ‘કોવિડ રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારો છતાં, અમારો સહયોગ વ્યાપક ભાગીદારીનું સ્વરૂપ લઈ રહ્યો છે.’ વડાપ્રધાને કહ્યું કે હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને ડ્રગની હેરાફેરીનો ખતરો ગંભીર છે. ભારત અને માલદીવ વચ્ચેના ગાઢ સંબંધો શાંતિ માટે મહત્વપૂર્ણ છે. ભારત-માલદીવની ભાગીદારી માત્ર બંને દેશોના નાગરિકોના હિતમાં કામ કરી રહી નથી પરંતુ તે સ્થિરતાનો સ્ત્રોત પણ બની રહી છે.
વડા પ્રધાને કહ્યું કે માલદીવની કોઈપણ જરૂરિયાત અથવા સંકટનો જવાબ આપનાર ભારત સૌપ્રથમ રહ્યું છે અને કરતું રહેશે. માલદીવના રાષ્ટ્રપતિ સોલિહે કહ્યું કે અમે આતંકવાદના ખતરાનો સામનો કરવા માટે અમારી મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. માલદીવ ભારતનો સાચો મિત્ર રહેશે. સોલિહ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતની ચાર દિવસીય મુલાકાતે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓમાંનું એક છે અને સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રો સહિત સમગ્ર દ્વિપક્ષીય સંબંધો વર્ષોથી વિકસ્યા છે.