વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત રક્તદાન અમૃત મહોત્સવમાં શનિવારે એક નવો રેકોર્ડ સર્જાયો હતો. આ દરમિયાન એક દિવસમાં એક લાખથી વધુ લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ પહેલા પણ સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને 87 હજાર લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને નવો રેકોર્ડ બનાવ્યો હોવાની માહિતી આપી હતી.
તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘આજે મને જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર #રક્તદાન અમૃતમહોત્સવ અંતર્ગત અત્યાર સુધીમાં 87 હજારથી વધુ લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે. આપણા પ્રિય પ્રધાન સેવકને દેશ તરફથી આ એક અમૂલ્ય ભેટ છે.
પીએમ મોદીના 72માં જન્મદિવસના અવસર પર, કેન્દ્રીય મંત્રીએ નાગરિકોને ‘રક્તદાન અમૃત મહોત્સવ’ તરીકે રક્તદાન કરવા માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન અથવા ઇ-રક્તકોશ પોર્ટલ પર નોંધણી કરાવવાની વિનંતી કરી હતી. માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે, ‘રક્તદાન – મહાદાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શરૂ થયેલા રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત રક્તદાન કર્યું હતું. માનવતાના આ ઉદ્દેશ્યમાં જોડાવું હૃદયસ્પર્શી છે. તમે પણ આ મહાન કાર્યમાં સહભાગી બનો.
આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થયો છે અને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ પર 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એક દિવસમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો હતો. આ ઉપરાંત લોકોને નિયમિત રક્તદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે. એક યુનિટ એટલે 350 મિલી લોહી. કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રાલયો અને વિભાગો, NGO અને સામુદાયિક સંસ્થાઓ અને અન્ય હિતધારકોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.