ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી આવતા એક મુસાફર પાસેથી ૯.૫૯૦ કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારી અનિલ કુમારના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
ચેન્નાઈ એર કસ્ટમ્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ૧૧ ઓગસ્ટના રોજ ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી પહોંચેલા ભારતીય મુસાફર ઈકબાલ બી.ઉરંદાદીને એઆઈયુ અધિકારીઓએ રોક્યો હતો. તેમની પાસેથી ૯.૫૯૦ કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે.
નિવેદન અનુસાર, ‘મુસાફર અને તેમના સામનની તપાસ કરતાં કોકેઈન અને હેરોઈન મળી આવ્યા હતા. મુસાફરે તેને ચેક-ઈન સામાન અને જૂતામાં છુપાવી દીધું હતું. તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ ૧૯૮૫ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે’