હરિયાણાના અંબાલામાં બદમાશોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. જ્યારે તેનો મિત્ર આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોની મદદથી બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ એકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાને ગંભીર હાલતને જોતા પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યો હતો.
મૃતકના પરિજનોએ જણાવ્યું કે લવલી તેના મિત્ર સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન ગામના કેટલાક યુવકોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં અંબાલા શહેરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ લવલીને મૃત જાહેર કર્યો અને હનીને પીજીઆઈમાં રીફર કર્યો.
આ ઘટના બાદ ડેડિયાણા ગામમાં રાખડીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતકના પરિજનોએ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું કહેવાય છે. પરિવારજનોનું કહેવું છે કે આ બદમાશોએ અગાઉ પણ ઘણી વખત તેમના પર હુમલો કર્યો છે. મૃતક સગીર ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. તેના પિતા મૃત્યુ પામ્યા છે. 2 બહેનો પરિણીત છે. લવલી પરિવારનો એકમાત્ર આધાર હતો. તે ગામની શાળામાં 10મા ધોરણનો વિદ્યાર્થી હતો.
આ ઘટનાની માહિતી મળતાની સાથે જ હોસ્પિટલમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીએસપી જોગીન્દર શર્માએ જણાવ્યું કે મોડી સાંજે માહિતી મળી હતી કે દડિયાના ગામમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં એક સગીર યુવકનું મોત થયું છે. અન્યને પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યો છે. આ કેસમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. જેની પૂછપરછ કરવામાં આવી રહી છે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.