ઝારખંડના ધનબાદ ખાતે કોલસાના ગેરકાયદેસર ખનન દરમિયાન દુર્ઘટના બની છે. નિરસા વિધાનસભા ક્ષેત્રના ડૂમરજાેડ ખાતે કોલસાના ગેરકાયદેસર ઉત્ખનન બાદ જમીન ૫૦ ફૂટ જેટલા ક્ષેત્રમાં ધસી ગઈ હતી. ચિરકુંડા થાણા ક્ષેત્રમાં બનેલી આ દુર્ઘટનામાં એક ડઝન જેટલા લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં જ પ્રશાસન અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.
ધનબાદમાં કોલસાના ઉત્ખનન દરમિયાન છાશવારે દુર્ઘટનાઓ બનતી રહે છે. ગત ગુરૂવારે ચાલ ધસી જવાના કારણે એક જ પરિવારની મહિલા અને યુવતીનું મોત થયું હતું. ઉપરાંત તે દુર્ઘટનામાં ૫થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. જિલ્લાના બરોરા થાણા ક્ષેત્રમાં ચિહાટી બસ્તી પાસે મુરાઈડીહ ફોર એચ પૈચ વિસ્તારમાં તે દુર્ઘટના બની હતી. મૃતક ૨૦ વર્ષીય યુવતી અને ૫૫ વર્ષીય મહિલા બંને એક જ પરિવારના હતા અને સંબંધમાં ભાણી અને નાની હતા.
ચાલુ મહિના દરમિયાન કોલસાની ચાલ ધસવાથી અન્ય ૨ મજૂરોના પણ મોત થયા છે. ગત મહિના નિરસા ક્ષેત્રના કાપાસારા ઓસીપી, ગોપિનાથપુર ઓસીપી, દહિબાડી ખાતે ગેરકાયદેસર ખનન દરમિયાન અનેક ડઝન મજૂરોના મોત થયા હતા. જાેકે તેમ છતાં ક્ષેત્રમાં કોલસાનું ગેરકાયદેસર ઉત્ખનન ચાલું જ છે જેને રોકવામાં પોલીસ અસફળ સાબિત થઈ રહી છે.