મધ્યપ્રદેશના રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બસ અને ટ્રોલી વચ્ચેની અથડામણમાં 14 લોકોના કરૂણ મોત થયા હતા અને 40 લોકો ઘાયલ છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 થી 11.00 વાગ્યાની વચ્ચે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. આ દરમિયાન સુહાગી વિસ્તાર પાસે બસ એક ટ્રોલી સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે.
અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ હતું. ઘાયલોને સારવાર માટે જિલ્લાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ, તુંથર ખાતે રાખવામાં આવ્યા છે. આ બસ ડબલ ડેકર હતી.
મળતી માહિતી મુજબ જે જગ્યાએ આ દુર્ઘટના થઈ તે પહાડી વિસ્તાર છે. બસમાં મોટાભાગે મજૂરો હતા, જેઓ દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા. એસપી નવનીત ભસીનના જણાવ્યા અનુસાર, રીવાના સુહાગી ટેકરી પાસે બસ અને ટ્રોલી વચ્ચે થયેલી અથડામણમાં 14 લોકોના મોત થયા છે. 40 ઘાયલોમાંથી 20ને પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસ હૈદરાબાદના સિકંદરાબાદથી મુસાફરોને લઈને ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી. બસ રેવાના સોહાગી પહાડી વિસ્તારમાં પહોંચી કે તરત જ આ અકસ્માત થયો. મળતી માહિતી મુજબ બસમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિક વહીવટીતંત્ર બસના માલિકને શોધી રહ્યું છે. આ સાથે મૃતકના ઘરનું પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, જેથી સંબંધીઓને માહિતી મોકલી શકાય.