રાજધાની દિલ્હીમાં એક મહિલાએ પોતાના લિવ-ઈન પાર્ટનરથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. લિવ-ઈન પાર્ટનર પર મહિલાનો 14 વખત બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ છે. આત્મહત્યાનો આ મામલો દક્ષિણ પૂર્વ દિલ્હીના જેતપુર વિસ્તારનો છે. આ 33 વર્ષીય મહિલા છેલ્લા 8 વર્ષથી લિવ-ઈનમાં રહેતી હતી. 8 વર્ષમાં મહિલાને 14 વખત ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. તેનાથી પરેશાન થઈને મહિલાએ 5 જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી.
શરૂઆતમાં પોલીસ તેને આત્મહત્યા માની રહી હતી, પરંતુ પછી મહિલાના કપડામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ પછી આત્મહત્યા માટે ઉશ્કેરણી અને બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિત મહિલા દિલ્હીના જેતપુર વિસ્તારમાં રહેતી હતી. મહિલા પરિણીત હતી અને તેને બે પુત્રીઓ છે, પરંતુ 9 વર્ષથી મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. મહિલાએ તેની બે દીકરીઓને ભણવા માટે હોસ્ટેલમાં મોકલી હતી અને હાલમાં તે પોતે લિવ-ઈનમાં રહેતી હતી.
આ મહિલાની આત્મહત્યા અંગે પોલીસને 5 જુલાઈના રોજ ખબર પડી હતી. મહિલાએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન પોલીસને મહિલાના કપડામાંથી એક સુસાઈડ નોટ મળી. સુસાઈડ નોટમાં મહિલાએ છેલ્લા 8 વર્ષની કરૂણાંતિકા લખી હતી. બિહારના મધેપુરાના એક વ્યક્તિએ આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. આરોપી નોઈડાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.