પેટ્રોલ ડીઝલની જેમ લીંબુના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લીંબુ હવે સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે. આવામાં લીંબુના વધતા ભાવ અટકાવવા માટે વારાણસીમાં રહેતા એક વ્યક્તિએ અજીબોગરીબ ચીજ અજમાવી. તેણે આદિશક્તિના મંદિરમાં તંત્ર પૂજા કરતા લીંબુની બલિ ચડાવી. વારાણસીના ચંદવા છિત્તૂપુરનો રહીશ આ વ્યક્તિ બીર બાબા મંદિર પહોંચ્યો અને અહીં માતા દુર્ગાની પ્રતિમા સામે તંત્ર વિદ્યાના સહારે લીંબુની બલિ ચડાવી.
વ્યક્તિએ વધતી મોંઘવારી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જાે સરકાર ભાવ નીચા લાવવા માટે કઈ ન કરે તો પછી તંત્ર-મંત્રના સહારે જ મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. વ્યક્તિએ આશા વ્યક્ત કરી કે લીંબુની બલિ ચડાવ્યા બાદ કદાચ મોંઘવારી પર કાબૂ આવી જાય. તેણે વધુમાં કહ્યું કે જ્યારે સરકારની નીતિઓ ફેલ જાય છે ત્યારે માતા રાણી જ કોઈ ચમત્કાર કરી શકે છે. આથી હું લીંબુની બલિ ચડાવવા માટે આવ્યો છું. તંત્ર પૂજા કરનારા આ વ્યકિતએ કહ્યું કે એક લીંબુ ૧૫ રૂપિયાનું વેચાઈ રહ્યું છે અને સરકાર કઈ પણ બોલવા માટે તૈયાર થી. આવી વિકટ સ્થિતિમાં માતા ભગવતી જ એક સહારો છે.
વાત માત્ર એકલા લીંબુની જ નથી. ખાવા પીવાની દરેક ચીજ મોંઘી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય કારણોનો હવાલો આપતા ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખુબ વધારો કરી ચૂકી છે અને આવનારા દિવસોમાં ભાવ વધુ વધવાની આશંકા છે. આ બાજુ સરકાર પણ આ મામલે સંપૂર્ણ ચૂપ્પી સાધી બેઠી છે. ન તો મોંઘવારી પર કોઈ નિવેદન આપે છે કે ન તો તેને ઓછી કરવા માટે કોઈ પગલાં લેતી જાેવા મળી રહી છે.