દિલ્હી સ્થિત આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલાએ પોતાના લિવ-ઈન પાર્ટનરની ર્નિદયતાથી હત્યા કરી નાખી છે. આ મહિલા ટ્રોલી બેગમાં મૂકી લાશને સગેવગે કરવા જઈ રહી હતી ત્યારે આરોપી મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. લગ્નની ઉતાવળ કરવા બાબતે થયેલા વિવિદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવાર-સોમવારની મધ્ય રાત્રિમાં પોલીસ સ્ટેશનના ટીલા મોડ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા ભારે ટ્રોલી બેગ ખેંચતી જાેવા મળી હતી.
પોલીસની ગાડી જાેઈને આ મહિલા ગભરાઈને રસ્તાની એક તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ લાગતા તેની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, બેગમાં એક યુવકની લાશ પડી હતી.
પૂછપરછ કરતાં આ મહિલાએ તેનું નામ પ્રીતિ શર્મા પત્ની દીપક યાદવ રહેવાસી ફ્લેટ નંબર-૧૮૧ તુલસી નિકેતન ગાઝિયાબાદ હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે, લાશ મહિલાના લિવ-ઈન રિલેશનશિપ પાર્ટનર ફિરોઝ પુત્ર ઈકબાલ રહેવાસી સંભલ (ઉત્તર પ્રદેશ)ની હોવાનું બહાર આવ્યું હતું.
હકીકતમાં મહિલા પોતાના પતિ દીપક યાદવને છોડીને ફિરોઝ સાથે છેલ્લા ૩-૪ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ૬-૭ ઓગસ્ટની રાત્રે પ્રીતી શર્માએ બોયફ્રેન્ડ ફિરોઝ સાથે વહેલા લગ્નને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન ફિરોઝે પ્રીતિને કહ્યું હતું કે, ‘તું તો ચાલુ મહિલા છે’. જાે તું તારા પતિની ના થઈ તો મારી શું થશે. આ અપમાનથી ઉશ્કેરાઈને પ્રીતિએ ઘરમાં રાખેલા રેઝર વડે ફિરોઝનું ગળું કાપી નાખ્યું હતું.
આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, તેણે રવિવારે બપોરે દિલ્હી સીલમપુરથી ટ્રોલી બેગ ખરીદી હતી. ત્યારબાદ રાત્રે ફિરોઝના મૃતદેહને ટ્રોલી બેગમાં રાખીને તે ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર કોઈ પણ ટ્રેનમાં રાખવા માટે જઈ રહી હતી અને પોલીસે તેને રંગે હાથે પકડી લીધી હતી.