ઉત્તરાખંડની એક મહિલાએ પોતાની તમામ સંપત્તિ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપી દીધી છે. દેહરાદૂનની ૭૮ વર્ષીય મહિલાએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી દીધી છે. તેમાં ૫૦ લાખ રૂપિયાની સંપત્તિની સાથે સાથે ૧૦ તોલા સોનાનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં યોજાયેલી ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આકરો પરાજય મળ્યો છે.
આ કારણે પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ વધ્યા છે. ત્યારે આ બધા વચ્ચે આ મહિલાએ રાહુલ ગાંધી અને તેમના વિચારોને દેશ માટે જરૂરી ગણાવ્યા છે. દેહરાદૂન નિવાસી ૭૮ વર્ષીય પુષ્પા મુન્જિયાલે કોર્ટમાં પોતાની તમામ સંપત્તિનો માલિકી હક્ક રાહુલ ગાંધીના નામે કરતું વસિયતનામુ રજૂ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે તેઓ રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત છે અને માટે પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી રહ્યા છે.
કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચન્દ શર્માએ આ મુદ્દે જણાવ્યું કે, મહિલાએ પોતાનું વસિયતનામુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહના ઘરે જઈને તેમને સોંપી દીધું છે. પુષ્પા મુન્જિયાલે લાલચન્દ શર્માને કહ્યું હતું કે, રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા આગળ વધીને દેશ માટે પોતાની સર્વોચ્ય કુરબાની આપી છે. પછી તે ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય, તેમણે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોની કુરબાની આપી.