ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બુરખો પહેરેલી એક મહિલાને જોઈને હોબાળો મચી ગયો હતો. બાબા મહાકાલના દર્શન માટે લાઈનમાં ઉભેલા ભક્તો પણ મહિલાને જોઈને ચોંકી ગયા હતા. આ દરમિયાન મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓની નજર મહિલા પર પડી અને તેઓએ મહિલાને રોકી. બુરખામાં બાબા મહાકાલના દર્શન કરવા માટે મંદિરમાં આવેલી મહિલા વિશે મંદિર પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.
મહિલાની પૂછપરછ બાદ જ્યારે હકિકત સામે આવી તો કમિટીએ તેને દર્શન કરવાની મંજૂરી આપી, ત્યારબાદ મહિલા બાબા મહાકાલના દર્શન કરી શકી. મળતી માહિતી મુજબ બુરખામાં મહાકાલ મંદિરમાં આવેલી મહિલા મુસ્લિમ નહોતી. તે રાજસ્થાનના ભીલવાડાથી મંદિરમાં દર્શન કરવા આવી હતી. મહિલાનું નામ લક્ષ્મી છે, જે તેની માતા અને પિતા દાલચંદ સાથે મંદિર પહોંચી હતી. પોલીસે મહાકાલ મંદિરમાં દર્શન કરતા પહેલા તેની પાસેથી સંપૂર્ણ માહિતી લીધી હતી.
મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર તે માનસિક રીતે નબળી છે અને પરિવારના સભ્યો દ્વારા બુરખામાં મહાકાલ મંદિરમાં આવવા માટે ઘણા સમયથી જીદ કરી રહી હતી. તેની ઈચ્છા પૂરી કરવા માટે પરિવાર તેને મંદિર લઈ ગયો. જ્યારે પોલીસે મહિલાને બુરખામાં મંદિર આવવાનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે જીનીના આદેશ પર બુરખો પહેરીને મંદિરમાં આવી હતી.