ચોમાસા દરમિયાન રોડમાં ખાડા છે કે પછી ખાડામાં રોડ છે તે અંગે સવાલો ઉઠતા હોય છે. દેશમાં રોડ પડેલા ખાડાના કારણે વર્ષે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. માર્ગ પરિવહન અને હાઈવેસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦ સુધીમાં સરેરાશ દર વર્ષે રોડ પર પડેલા ખાડાના કારણે ૨,૩૦૦ લોકોના મોત થયા છે. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે રસ્તાઓની જાળવણી અંગે ચિંતા વ્યક્તિ કરી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા દર્શાવવામાં આવતી ઉદાસીનતા લોકોના જીવ લઈ રહી છે.
વર્ષ ૨૦૨૧માં રોડ પર પડેલા ખાડાના લીધે દેશમાં કેટલા લોકોના જીવ ગયા તેના આકડા રજૂ કરવામાં આવ્યા નથી. ખાડાઓના કારણે થતા મોત પર કેરળ હાઈકોર્ટ દ્વારા નવા આદેશ કરવામાં આવ્યા છે, આ આદેશમાં રસ્તા પર પડેલા ખાડાને ‘માનવ નિર્મિત’ આપદાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સાંકળવા આદેશ કર્યો છે અને શુક્રવારે આ આદેશ કર્યો છે કે જેમાં ભવિષ્યમાં રોડ પર પડેલા ખાડાના કારણે થનારા અકસ્માતને તેમાં સાંકળવામાં આવે, આ અંગે જિલ્લા કલેક્ટર કોર્ટને માહિતગાર કરશે.
આ આદેશ આપતા જજ દેવેન રામચંદ્રને કહ્યું છે કે, હું અહીં જિલ્લા કલેક્ટરને રસ્તા પર ‘માનવ નિર્મિત આપદાઓ’ને રોકવા માટે સક્રિય રીતે કાર્ય કરવાનો નિર્દેશ આપું છું, અને સાવધાન કરું છું કે ભવિષ્યમાં થનારી દરેક દૂર્ઘટના અંગે જણાવવાનું રહેશે. કેરળ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે નેશનલ હાઈવે પર અકસ્માતમાં કોઈનું મૃત્યુ અથવા ઈજા થાય ત્યારે કેન્દ્ર સરકાર, ખાસ કરીને માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના “બંધારણીય અત્યાચાર”ના સિદ્ધાંતોના સંદર્ભમાં ચોક્કસ ભૂમિકા ભજવવાની છે.
જેનો અર્થ એ થયો કે સત્તાવાળાઓને તેમના એજન્ટોની કાર્યવાહી માટે જવાબદાર ઠેરવી શકાય છે, જેમાં તેઓ અને તેમના અધિકારીઓ દ્વારા રખાયેલા પ્રાઈવેટ ડેવલપર્સનો પણ સામાવેશ થાય છે. સૂત્રોનું માનીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા જલદી ઓનલાઈન સિસ્ટમ લોન્ચ કરશે અને મોબાઈલ એપ્લિકેશન પણ, જેનો ઉપયોગ કરનાર નાગરિક રસ્તામાં પડેલા ખાડા કે બિસ્માર (રસ્તા) ભાગ અંગેની માહિતી આપી શકશે. જે બાદ તેના સમારકામ અંગે સમય સીમા નક્કી કરવામાં આવશે અને જાે તે પ્રમાણે સમારકામ ના થયું તો અધિકારીઓને દંડ કરવામાં આવશે.