દિલ્હીના વેલકમ વિસ્તારમાં બાળકો વચ્ચેની લડાઈ બાદ બે સમુદાયના લોકો સામ-સામે આવી ગયા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે, બંને સમુદાયના લોકોએ એક-બીજા પર પત્થરમારો કર્યો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ ૨૦ લોકોને કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી પોલીસનું કહેવું છે કે, કડક સંદેશ આપવા માટે પોલીસે આ મામલે રમખાણોની ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બુધવારે રાત્રે દિલ્હીના વેલકમ વિસ્તારના એક પાર્કમાં બે સમુદાયના બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન કોઈ વાતને લઈને બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જાેકે, આ વિવાદ કઈ બાબતને કારણે થયો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું. વિવાદ વધ્યા બાદ બાળકોના પરિવારજનો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને થોડીવાર બાદ બંને સમુદાયો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
આ વચ્ચે કોઈકે દિલ્હી પોલીસને રાત્રે ૧૦ વાગ્યે સૂચના આપી હતી કે પાર્કમાં બાળકો વચ્ચે ઝઘડો થયો છે. સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. પોલીસને ફોન પર જાણકારી આપવામાં આવી હતી કે, બંને સમુદાયો વચ્ચે ઝઘડો થયો છે. બંને સમુદાયો તરફથી પત્થરમારો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તરત જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને સીનિયર અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે, બાળકો વચ્ચે પાર્કમાં રમતી વખતે ઝઘડો થયો હતો જે થોડા સમય બાદ મોટી લડાઈમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ હાજર હતી. પોલીસે જણાવ્યું કે, પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળ પર એકઠી થયેલી ભીડમાંથી મોટા ભાગના લોકો ઝઘડામાં સામેલ નહોતા થયા.
ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોએ ઘટનાને સમજતા બંને પક્ષને સમજાવવાનું કામ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, હંગામો કરનારા કેટલાક લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને ૨૦ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નોર્થ-ઈસ્ટ દિલ્હીના ડીસીપી સંજય સેને જણાવ્યું કે, દિલ્હીના વેલકમ વિસ્તારમાં ફોટો ચોકના એક પાર્કમાં રમતી વખતે બે સમુદાયોના બાળકોની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષોના બાળકોએ એક-બીજા પર પત્થરમારો પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પોલીસને પહેલો ફોન બુધવારે રાત્રે લગભગ ૧૦ઃ૦૦ વાગ્યે કરવામાં આવ્યો હતો.