યુકેના નાણા મંત્રી ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ આ દિવસોમાં ચર્ચામાં છે. અક્ષતા પર ટેક્સ સેવિંગનો આરોપ છે. ભારતીય મૂળની અક્ષતા ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની પુત્રી છે. રિપોર્ટ અનુસાર તેઓ સંપત્તિના મામલે બ્રિટનની મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ અમીર છે. અક્ષતાની સંપત્તિ જાણીને તમને આશ્ચર્ય થશે. અક્ષતાની તેના પિતા નારાયણ મૂર્તિની કંપની ઈન્ફોસિસમાં 0.93 ટકા હિસ્સો છે.
બ્લૂમબર્ગ અનુસાર અક્ષતાને તેના હિસ્સામાંથી લગભગ રૂ. 11.65 કરોડનું વાર્ષિક ડિવિડન્ડ મળે છે. અક્ષતા પર આ આવક પર જ ટેક્સ ન ભરવાનો આરોપ છે. આ રકમ લગભગ 20 મિલિયન પાઉન્ડ એટલે કે 197 કરોડ રૂપિયા છે. સ્ટોક એક્સચેન્જો સાથે શેર કરેલી માહિતી અનુસાર, 42 વર્ષીય અક્ષતા મૂર્તિની પાસે લગભગ $1 બિલિયન એટલે કે 7600 કરોડ રૂપિયાના ઈન્ફોસિસના શેર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિચ લિસ્ટ-2021 અનુસાર, આ આંકડો અક્ષતાને ક્વીન એલિઝાબેથ દ્વિતીય કરતાં વધુ અમીર બનાવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાણીની અંગત સંપત્તિ લગભગ 460 મિલિયન ડોલર એટલે કે 3400 કરોડ રૂપિયા છે. અક્ષતા ઘણા સમયથી યુકેમાં રહે છે. અહીં તેણે અક્ષતા ડિઝાઇન્સ નામની કંપની પણ ખોલી છે. આ સિવાય તે વેન્ચર કેપિટલ કંપની કેટામરન વેન્ચર્સની ડાયરેક્ટર પણ છે.
તેની સ્થાપના 2010માં અક્ષતાના પિતા એનઆર નારાયણ મૂર્તિએ કરી હતી. અક્ષતા અને સુનકે 2009માં બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલ્યો હતો.