India News : અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મહિલાઓ અંગે મહત્વનું અવલોકન કર્યું છે. ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળે છે. આનો આશરો લઈને, તે સરળતાથી પુરુષોને ફસાવે છે. આવા અનેક મામલા કોર્ટમાં આવી રહ્યા છે જેમાં મહિલાઓ લાંબા સમય સુધી કોઈની સાથે રિલેશનમાં રહે છે, અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. બાદમાં તે પાર્ટનર પર ખોટા આરોપ લગાવીને એફઆઇઆર (FIR) દાખલ કરે છે.
હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થે (Siddhartha) કહ્યું કે, આવા કેસોમાં ન્યાયિક અધિકારીઓએ સતર્ક રહેવું જોઈએ. તેઓએ જમીની વાસ્તવિકતા જોવી જોઈએ, તો જ તેઓએ નિર્ણય લેવો જોઈએ. વારાણસી નિવાસી ઓમ નારાયણ પાંડેની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કાયદો પુરુષો પ્રત્યે ખૂબ જ પક્ષપાતી છે. પુરુષો પર પાયાવિહોણા આક્ષેપો કરવા એ મહિલાઓ માટે ખૂબ જ સરળ છે. લિવ-ઈનમાં લાંબા સમય સુધી રહેવા દરમિયાન છોકરા-છોકરી વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થાય છે. ત્યારબાદ છોકરી છોકરાને ખોટા કેસમાં ફસાવે છે.
લગ્નના વચન પર સગીર સાથે સેક્સ કરવાનો આરોપ
હાલના કેસ મુજબ ઓમ નારાયણ પાંડે વિરુદ્ધ વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડન સહિત પોક્સો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેના પર લગ્નના વચન પર સગીર યુવતી સાથે સેક્સ કરવાનો આરોપ છે. પાંડેના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે બંનેએ પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. કોર્ટે કહ્યું કે, ભારતીય સામાજિક અને પરંપરાગત ધારાધોરણોથી વિપરીત, યુવતીના સન્માનની રક્ષાના નામે ખોટી એફઆઈઆર બદઇરાદાપૂર્વક દાખલ કરવામાં આવી રહી છે.