એર ઈન્ડિયાના A320neo પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટાટા ગ્રૂપ સંચાલિત એરલાઇનનું આ વિમાન ટેક-ઓફ કર્યા પછી મુંબઈ એરપોર્ટ પર પાછું ફર્યું કારણ કે તેનું એક એન્જિન ટેકનિકલ સમસ્યાને કારણે હવામાં બંધ થઈ ગયું હતું. આ સંદર્ભમાં જાહેર કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે વિમાન ટેકઓફ કર્યાની માત્ર 27 મિનિટ પછી એરપોર્ટ પર પરત ફર્યું હતું.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે પ્લેન બદલ્યા બાદ મુસાફરોને બેંગલુરુમાં તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આ ઘટનાની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના A320neo પ્લેનમાં CFM લીપ એન્જિન છે. રિપોર્ટ અનુસાર A320neo એરક્રાફ્ટના પાઇલટ્સને સવારે 9.43 વાગ્યે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરક્રાફ્ટ ટેકઓફ થયાની મિનિટો બાદ એન્જિનમાં ખામી હોવાની માહિતી મળી હતી.
સૂત્રોએ જણાવ્યું કે વિમાનનું એન્જિન અચાનક હવામાં બંધ થઈ જતાં વિમાનના પાયલોટે ઉતાવળમાં સવારે 10.10 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને અમારા ક્રૂ આ પરિસ્થિતિઓને સંભાળવામાં સારી રીતે વાકેફ છે. અમારી એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ ટીમે તરત જ આ મુદ્દાને તપાસવાનું શરૂ કર્યું, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું. પ્લેન બદલ્યા બાદ મુસાફરોને બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા.