ઓડિશાના ખુર્દ જિલ્લાના બાનાપુર ખાતે બીજેડીના સસ્પેન્ડેડ ધારાસભ્ય પ્રશાંત જગદેવના વાહનથી કથિત રીતે કચડાવાથી ૭ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયા છે. પોલીસના કહેવા પ્રમાણે આ ઘટનામાં ચિલ્કાના ધારાસભ્ય જગદેવ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લોક અધ્યક્ષની ચૂંટણી દરમિયાન જગદેવના વાહને બીડીઓ બાનાપુરના કાર્યાલય બહાર જમા ભીડને કથિત રીતે ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ રોષે ભરાયેલા લોકોએ તેમના વાહનમાં તોડફોડ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં બાનાપુર પોલીસ થાણાના પ્રભારી નિરીક્ષક આર.આર. સાહૂ સહિત ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને એઈમ્સ, ભુવનેશ્વર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ભાજપના આશરે ૧૫ જેટલા કાર્યકરો અને ૭ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ખુર્દના એસપી લેખ ચંદ્ર પાહીએ જણાવ્યું કે, ધારાસભ્યને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને લોહીલોહાણ સ્થિતિમાં પહેલા ટાંગી ખાતેની હોસ્પિટલમાં અને બાદમાં ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. જગદેવને ગત વર્ષે પાર્ટીવિરોધી ગતિવિધિઓને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.