હરિયાણાના યમુનાનગરમાં એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં યમુનામાં સ્નાન કરવા ગયેલા 10 યુવકો પર અન્ય જૂથના લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ન્હાવા ગયેલા યુવકો પર ઈંટ, પથ્થરો અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવકો જીવ બચાવવા યમુનાના ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. જ્યાં સુધી યુવકો પાણીમાં દેખાયા ત્યાં સુધી અન્ય જૂથના લોકો ઉપરથી પથ્થરમારો કરતા રહ્યા. બાકીના 5 લોકોએ કોઈક રીતે છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે 5 ડૂબી ગયા.
હુમલાખોરોએ યમુનામાં ડૂબી ગયેલા યુવકોની કારને પણ ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગુમ થયેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. કેટલાય કલાકો સુધી સતત શોધખોળ કરવા છતાં હજુ સુધી પાંચેય ગુમ થયેલા યુવકો વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ યુવકોના સંબંધીઓનો આરોપ છે કે બે વર્ષ પહેલા તેમની સામે પક્ષના લોકો સાથે ઝઘડો થયો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આમાં, 2 દિવસ પછી જુબાની હતી. આ જ બાબતની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
યમુનામાં અત્યાર સુધી પાંચ યુવકો ગુમ હોવાનું કહેવાય છે, જેમની ઉંમર 19 થી 21 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. આ તમામની ગોતાખોરો દ્વારા શોધ કરવામાં આવી રહી છે. જગાધરીમાં રહેતા આ યુવકોમાં સની, સુલેમાન, અલાઉદ્દીન, સાહિલ અને નિખિલનો સમાવેશ થાય છે. બીજી તરફ પોલીસે સંબંધીઓની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.