દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ આજે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. AAP નેતા સંજય સિંહે કહ્યું કે અમે ઓપરેશન લોટસ વિશે ખુલાસો કરી રહ્યા છીએ. ભાજપે અમારા ધારાસભ્યોને ઓફર કરી હતી. ઓફર એવી હતી કે AAP છોડશો તો 20 કરોડ આપીશ અને બીજાને સાથે લાવશો તો 25 કરોડ.
સંજય સિંહે કહ્યું- અમારા ધારાસભ્યો સંજીવ ઝા, સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને અન્ય એક ધારાસભ્યને ભાજપે પાર્ટી છોડવાના બદલામાં 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહ સાથે સોમનાથ ભારતી પણ હતા. તેમણે કહ્યું કે ભાજપના લોકોએ મને કહ્યું કે AAPના વધુ 20 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
સંજીવ ઝાએ કહ્યું, ‘ભાજપના લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે જો તમે પાર્ટી છોડી દો તો તમને 20 કરોડ રૂપિયા મળશે. જો અમે AAPના કેટલાક ધારાસભ્યોને સાથે લાવીશું તો અમને 5 કરોડ રૂપિયા વધુ મળશે. દિલ્હી વિધાનસભામાં કુલ 70 સીટો છે અને સરકાર બનાવવા માટે 36 ધારાસભ્યોની જરૂર છે. હાલમાં આમ આદમી પાર્ટી પાસે 62 અને ભાજપ પાસે 8 ધારાસભ્યો છે.
મંગળવારે ગુજરાતમાં એક રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે વેચનારાઓમાંના નથી. દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. મનીષ સિસોદિયાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા કારણ કે આ લોકો દિલ્હીમાં સરકારને ગબડાવવા માંગતા હતા. સીબીઆઈના દરોડા પછી રવિવારે (21 ઓગસ્ટ) મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું- ‘ભાજપ તરફથી સંદેશ આવ્યો છે કે AAP તોડો અને અહીં આવો. અહીં તમારા પર લાગેલા તમામ કેસ પણ ખતમ થઈ જશે અને તમને દિલ્હીના મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.