પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની સરકાર વધુ છ મહિના સુધી ચાલુ રહેશે અને આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે. પંચાયત ચૂંટણી માટે જલપાઈગુડીમાં એક રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ કારણ કે “ભાજપ આવતીકાલે સત્તામાં નહીં હોય”.
તેમણે દાવો કર્યો કે, આગામી લોકસભા ચૂંટણી 2024માં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. ભાજપ સરકારનો કાર્યકાળ માત્ર છ મહિનાનો છે. રેલીમાં, બેનર્જીએ સરહદી વિસ્તારોમાં BSF ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, હું બીએસએફના તમામ અધિકારીઓ પર આરોપ નથી લગાવી રહી. તેઓ આપણી સરહદોની રક્ષા કરે છે પરંતુ BSFએ નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ કારણ કે આવતીકાલે ભાજપ ભલે સત્તામાં ન હોય, પરંતુ તેમણે તેમનું કામ કરતા રહેવું પડશે.
મમતાએ સોમવારે બીએસએફ પર ભાજપના ઈશારે સરહદી વિસ્તારોમાં મતદારોને ડરાવવાનો આરોપ મૂક્યો હતો, જેના પર કેન્દ્રીય દળે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે ‘સત્યથી દૂર’ છે. પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થશે.