ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં વોટિંગ દરમિયાન હાથરસમાં ભાજપના નેતાની ગોળી વાગવાથી મોતનો મામલો સામે આવ્યો છે. હાથરસ જિલ્લાની સિકંદરારાઉ વિધાનસભામાં ભાજપા નેતા જિલ્લા મહામંત્રી કૃષ્ણા યાદવનું ગોળી વાગવાથી મોત થયું છે. યુવા ભાજપા નેતાને ગોળી વાગવાની ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ભાજપા નેતાને કોઇ ગોળી મારી છે કે આત્મહત્યા કરી છે તે રહસ્ય ઉકેલવામાં પોલીસ લાગી ગઈ છે. હાથરસના સિકંદરારાઉમાં ભાજપા નેતા કૃષ્ણા યાદવ પોતાના ઘરે બીજા માળે ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયો હતો.
તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જાણકારી પ્રમાણે સિંકદરારાઉના ગૌસગંજ નિવાસી ભાજપા નેતા કૃષ્ણા યાદવ રવિવારે પોતાના ઘરે હતા ત્યારે તેને માથામાં ગોળી વાગી હતી. ગોળી કેવી રીતે વાગી તે વિશે હજુ કોઇ જાણકારી મળી નથી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનીક લોકો અને ભાજપા કાર્યકર્તાઓની તેમના ઘરે ભીડ થઇ ગઈ હતી.
ભાજપા નેતાઓમાં શોકનો માહોલ છે. યુવા મોરચાના કાર્યકર્તાઓેએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને કૃષ્ણા યાદવના મોતની જાણકારી આપી હતી અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મામલે પોલીસ અધિક્ષક વિનીત જાયસવાલે જણાવ્યું કે હાથરસના સિકંદરારાઉમાં કૃષ્ણા યાદવ નામના યુવકને ઘરમાં ગોળી વાગવાની સૂચના મળી હતી. યુવકના રૂમમાંથી એક તમંચો અને ખાલી ખોખું મળી આવ્યું છે જેને તપાસ માટે પોલીસે લઇ લીધું છે. પોલીસના ઉચ્ચ અધિકારી મામલાની તપાસ કરી રહ્યા છે.