જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાનો મૃતદેહ ખૂબ જ રહસ્યમય સંજાેગોમાં ઝાડ સાથે લટકતો મળી આવ્યો છે. આ કારણે તે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે. આ ઘટના કઠુઆના હીરાનગર ખાતેની છે. ભાજપના નેતા સોમરાજ છેલ્લા ૩ દિવસથી લાપતા હતા અને પોલીસે તેમના રહસ્યમયી મૃત્યુ મામલે કેસ દાખલ કરીને તપાસ આરંભી છે. જ્યારે ભાજપના નેતાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઉપરાંત પોલીસે આ મામલે એસઆઈટીની રચના કરી છે અને પોસ્ટમોર્ટમ માટે ૪ ડોક્ટર્સના બોર્ડની રચના કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે કઠુઆના હીરાનગર ખાતે સોમરાજનો મૃતદેહ તેમના ઘરથી થોડે દૂર ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. એક ગ્રામીણે મૃતદેહ જાેયા બાદ પોલીસને જાણ કરી હતી અને મૃતદેહ પર લોહીના નિશાન હતા. સોમરાજના પરિવારે હત્યાની આશંકા દર્શાવીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. ઉપરાંત સોમરાજના ઘરે પહોંચેલા ભાજપના અનેક નેતાઓએ પણ તપાસની માંગણી કરી છે.