દેશના દરિયા કિનારાને લઈને એક ચોંકાવનારું વિશ્લેષણ સામે આવ્યું છે. ગ્લોબલ રિસ્ક મેનેજમેન્ટ ફર્મ (RMSI)એ માહિતી આપી છે કે મુંબઈ, કોચી, મેંગલોર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ સહિત તિરુવનંતપુરમમાં ઘણી મોટી ઈમારતો અને રસ્તાઓ 2050 સુધીમાં ડૂબી જશે. મુંબઈની હાજી અલી દરગાહ, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા-વરલી સી-લિંક પણ ડૂબી જવાના જોખમમાં છે. આ વિશ્લેષણ માટે દેશના 6 દરિયાકાંઠાના શહેરો મુંબઈ, ચેન્નાઈ, કોચી, વિશાખાપ, મેંગલોર અને તિરુવનંતપુરમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ માટે આરએમએસઆઈના નિષ્ણાતોએ આ શહેરોના દરિયા કિનારાઓ માટે એક ઉચ્ચ રિઝોલ્યુશન ડિજિટલ મોડલ બનાવી અને પાણીના સ્તર અને પૂરને માપવા માટે નકશો તૈયાર કર્યો જે બાદ કહેવામા આવી રહ્યુ છે કે 2050 સુધીમાં ભારતની આસપાસના સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધશે. આ સાથે આબોહવા પરિવર્તન અંગે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) એ કહ્યું છે કે ઉત્તર હિંદ મહાસાગર (NIO) ના જળ સ્તરમાં વર્ષ 1874-2004 દરમિયાન દર વર્ષે 1.06-1.75 mm નો વધારો જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિભાગના આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે દરિયાની સપાટીમાં વધારો એ દરિયાકાંઠાના શહેરો ડૂબવાનું એકમાત્ર પરિબળ નથી. દરિયાકાંઠાના વિસ્તારો પહેલેથી જ આબોહવા પરિવર્તનની અસર સહન કરી રહ્યા છે. ચક્રવાત, તોફાન અને ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. આ દરિયાકાંઠાના પૂરનું કારણ બને છે. છેલ્લા ચાર દાયકામાં પશ્ચિમ કિનારે ચક્રવાતમાં 52%નો વધારો થયો છે.
આ સાથે મેથ્યુએ કહ્યું કે દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે અને આ તમામ ઘટનાઓને કારણે દરિયાકાંઠાના પૂરમાં વધારો થઈ શકે છે, જે મોટા વિસ્તારને અસર કરશે. 2050 સુધીમાં મુંબઈમાં લગભગ 998 ઈમારતો અને 24 કિમીના રસ્તાઓ પાણીના સ્તરમાં વધારાથી પ્રભાવિત થશે અને હાઇ ટાઇડ દરમિયાન લગભગ 2,490 ઇમારતો અને 126 કિલોમીટરના રસ્તાઓને અસર થશે. ચેન્નાઈમાં 55 ઈમારતો અને 5 કિલોમીટર લાંબો રસ્તો જોખમમાં આવશે. કોચીમાં 2050 સુધીમાં લગભગ 464 ઇમારતો પ્રભાવિત થવાની ધારણા છે. તિરુવનંતપુરમમાં 349 અને 387 ઈમારતો હશે. વિશાખાપ-તનામમાં લગભગ 206 ઘરો અને 9 કિમી રોડ નેટવર્ક ડૂબી જવાની અપેક્ષા છે.
આ અંગે આરએમએસઆઈના જોહરીએ સલાહ આપતા કહ્યું છે કે દરિયાકાંઠાના શહેરોમાંથી કેટલું પાણી અંતરિયાળ વિસ્તારોમાં જશે તેનો આધાર આપણી પાસે કેવા પ્રકારનો કોન્ટિનેન્ટલ શેલ્ફ છે તેના પર રહેશે. ખંડીય શેલ્ફ એ સમુદ્રની નીચે ડૂબેલા ખંડની ધાર છે. પાણીના સ્તરમાં વધારાની અસર વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ હશે.