દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી)ના કર્મચારી સંજીવ કુમારની ગોળી મારીને હત્યા કરવા અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને પત્નીઓએ હત્યાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું. હત્યાના થોડા દિવસો બાદ પોલીસે હત્યાના આરોપમાં ડીટીસી કર્મચારીની પત્ની, પૂર્વ પત્ની અને પુત્રીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓની ઓળખ ડીટીસી કર્મચારીની પહેલી પત્ની ગીતા (૫૪), તેની પુત્રી કોમલ (૨૧) અને બીજી પત્ની ગીતા ઉર્ફે નજમા (૨૮) તરીકે થઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, બંને પત્નીઓએ ૩ વર્ષ સુધી ગુનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યુ અને શાર્પ શૂટરની મદદથી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસે ૨૪ વર્ષીય પતિની હત્યા કેસમાં અત્યારસુધીમાં ૩ આરોપીઓની ધરપકડ કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ-પૂર્વ) ઈશા પાંડેએ જણાવ્યું હતું કે, મજીદિયા હોસ્પિટલમાંથી ૬ જુલાઈના રોજ માહિતી મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સંજીવ કુમાર નામના વ્યક્તિનું અકસ્માત સ્થળેથી મૃત્યુ થયું છે.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હોસ્પિટલમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતકને તેની પત્ની ગીતા દેવી ઉર્ફે નજમા લાવી હતી. ગીતા દેવીએ પોલીસને જણાવ્યું હતું કે, તે પતિ અને પુત્ર સાથે બાઈક પર શાકભાજી માર્કેટથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન પતિ અકસ્માતનો શિકાર બન્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે, પત્નીએ એ વાત છુપાવી કે પતિને ગોળી વાગી હતી. ડીસીપીના જણાવ્યા અનુસાર, ગીતા દેવી ઉર્ફે નજમા તપાસને ખોટી દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ગીતા દેવી ઉર્ફે નજમા અને ગીતા બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પૂર્વ પત્નીને મૃતક સંજીવના નવી પત્ની પ્રત્યેના ક્રૂર વર્તન અંગે જાણ થતા ગીતાએ ગીતી દાવી ઉર્ફ નજમાને નવો મોબાઈલ ફોન આપ્યો હતો. પતિને નવા મોબાઈલ ફોન અંગે જાણકરી નહોતી. પૂર્વ પત્ની ગીતા તેના પતિ સાથે ગીતા દેવી ઉર્ફ નઝમાની પીડાથી વાકેફ હતી. તેથી બંને પત્નીઓએ ગીતાની પુત્રી કોમલ સાથે મળીને આશરે ૨-૩ વર્ષ પહેલાં સંજીવની હત્યા અને મિલકત એકબીજામાં વહેંચી દેવા અંગે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ગીતા દેવી ઉર્ફે નઝમાએ પિતરાઈ ભાઈ ઈકબાલનો સંપર્ક કરીને પતિને મારવા માટે શાર્પ શૂટર ગોઠવવાનું કહ્યું હતું.
ઈકબાલ શાર્પ શૂટર લાવ્યો અને ૧૫ લાખમાં સોદો નક્કી થયો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે, ગીતા દેવી ઉર્ફે નજમાએ સંજીવની બાઈકની નંબર પ્લેટની તસવીર હટાવી દીધી હતી. ત્યારબાદ પોલીસની શંકા વધી ગઈ હતી. સાથે જ વધુમાં જાણવા મળ્યું હતું કે, તેણે તે તસવીર શાર્પ શૂટર સાથે શેર કરી હતી અને બાદમાં ડિલીટ કરી દીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, શાર્પ શૂટરે ટ્રાન્ઝિટ કેમ્પમાં દીપાલય સ્કૂલ પાસે સંજીવની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. અન્ય આરોપી ઈકબાલ અને શાર્પ શૂટર નઈમ ઘટના બાદથી ફરાર છે.