EDએ આજે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતના મુંબઈના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. લાંબી પૂછપરછ બાદ ED અધિકારીઓએ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. EDએ સવારે 7 વાગે સંજત રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારબાદ તેમની પૂછપરછ ચાલી રહી હતી. આ અગાઉ EDએ રાઉત વિરુદ્ધ અનેક સમન્સ જારી કર્યા હતા. તેમને પણ 27 જુલાઈએ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. રાઉતને મુંબઈમાં એક ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતાઓ અને તેની પત્ની અને અન્ય ‘સાથીદારો’ સાથે સંકળાયેલા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો હતો.
રાઉત આ મામલે પોતાનું નિવેદન નોંધવા માટે 1 જુલાઈના રોજ મુંબઈમાં એજન્સી સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ એજન્સીએ તેમને બે વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ વર્તમાન સંસદ સત્રમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ હાજર થયા ન હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કર્મચારીઓ સાથે EDના અધિકારીઓ રવિવારે સવારે 7 વાગ્યે ભાંડુપ ઉપનગરમાં રાઉતના નિવાસસ્થાન ‘મૈત્રી’ પહોંચ્યા અને દરોડા પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન રાજ્યસભાના સભ્ય રાઉતે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે રાજકીય બદલો લેવા માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
તેણે EDની કાર્યવાહી બાદ તરત જ ટ્વીટ કર્યું, “હું સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની શપથ લઈને કહું છું કે મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી.” તેણે લખ્યું, “હું મરી જઈશ પણ શિવસેના નહીં છોડું. EDના દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શિવસેના સમર્થકો રાઉતના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને એજન્સીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સમર્થકોએ ભગવા રંગના ઝંડા અને બેનરો લઈને એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાઉતે ઘરની બારીમાંથી સમર્થકો સામે હાથ મિલાવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત ED ઓફિસની બહાર મોટી પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને ED ઓફિસ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે.