બે દિવસ પહેલા પૂરો થયેલો માર્ચ મહિનો ૧૯૦૧ પછી સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો હતો. કદાચ એવું પણ બની શકે કે ૨૦૨૨ ના માર્ચે ૧૨૨ વર્ષ પહેલાનો પણ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો હોય, પરંતુ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ જાણાવી શકશે નહીં કારણ કે ભારતમાં તાપમાનનો રેકોર્ડ ૧૯૦૧ થી રાખવાનું શરૂ થયું હતું. આ વર્ષે માર્ચનું તાપમાન માર્ચ ૨૦૧૦માં નોંધાયેલા મહત્તમ તાપમાનની સર્વકાલીન સરેરાશને વટાવી ગયું છે.
માર્ચ ૨૦૧૦માં સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૦૯ ડિગ્રી સેલ્સિયસ હતું પરંતુ માર્ચ ૨૦૨૨માં સરેરાશ તાપમાન ૩૩.૧ ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે કે ઉનાળાના અગાઉના તમામ રેકોર્ડ ધરાશાયી થયા હતા. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આગામી વર્ષોમાં હીટવેવની તીવ્રતા હજુ વધશે. ૨૦૨૨ માં માર્ચ મહિનો ઉત્તર પશ્ચિમ ભારત માટે સૌથી ગરમ માર્ચ અને મધ્ય ભારત માટે બીજાે સૌથી ગરમ માર્ચ સાબિત થયો.
આ બંને પ્રદેશોમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કે ચોમાસા પહેલાની ઋતુમાં સતત લૂ અને હિટવેવ રહ્યો છે. આઈએમડીના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનામણીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, ‘વિશ્વે છેલ્લા બે દાયકામાં સૌથી ગરમ વર્ષો પણ જાેયા છે. આબોહવા પરિવર્તનની અસર હવામાનની તીવ્રતા અને સમય પર જાેવા મળી છે, ભારતમાં પણ – પછી તે ગરમી અને લૂની વાત હોય કે ચક્રવાત કે ભારે વરસાદની વાત હોય ક્લાયમેન્ટ ચેન્જની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે.
જેનામણીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એવા વધુ દિવસો આવ્યા છે જ્યારે વરસાદ પડ્યો જ નથી. કેટલાક કિસ્સાઓમાં ભારે વરસાદ પડ્યો હતો અને ગરમી પણ વધી હતી. તેમણે કહ્યું, ”આ વર્ષે માર્ચના બીજા ભાગમાં દેશના ઘણા ભાગોમાં તાપમાનમાં વધારો થયો હતો પરંતુ વરસાદ ન બરાબર પડ્યો હતો. દિલ્હી, હરિયાણા અને ઉત્તર ભારતના હિલ સ્ટેશનોમાં પણ દિવસ દરમિયાન સામાન્ય તાપમાન વધુ નોંધાયું હતું.”
માર્ચ ૨૦૨૨માં દિલ્હી, ચંદ્રપુર, જમ્મુ, ધર્મશાલા, પટિયાલા, દેહરાદૂન, ગ્વાલિયર, કોટા અને પુણે સહિતના કેટલાક સ્ટેશનો પર રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. જેનામણીએ કહ્યું, ‘પશ્ચિમ હિમાલયના હિલ સ્ટેશનોએ પણ દિવસ દરમિયાન ખૂબ જ ઊંચું તાપમાન નોંધ્યું હતું. દહેરાદૂન, ધર્મશાલા અથવા જમ્મુ જેવા હિલ સ્ટેશનોમાં માર્ચમાં તાપમાન ૩૪-૩૫ ડિગ્રી સેલ્સિયસ ખૂબ જ વધારે કહેવાય.
ભારતમાં મહત્તમ ગરમી પડતી હોય તેવા ક્ષેત્ર સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ઓડિશા ઉપર છે. “આ વખતે તે ગરમ હવાનો ઝોન એવા વિસ્તારો ઉપર પણ હતો જ્યાં ઠંડક હોવી જાેઈએ” જેનામણીએ કહ્યું. પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર તેનું ઉદાહરણ છે. અમે લાંબા સમયથી આવું કંઈ જાેયું નથી.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (આઈઆઈટીએમ)ના વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગરમીના મોજા એટલે કે હીટવેવની તીવ્રતા વધવાની સંભાવના છે. તેમણે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, ‘છેલ્લા કેટલાક દાયકાઓમાં ગ્લોબલ વોર્મિંગમાં ઝડપથી વધારો થયો છે. આપણે ટૂંકા ગાળાના પગલાં લેવાનું બંધ ન કરવું જાેઈએ કારણ કે લૂ કે પછી હીટવેવની ફ્રિક્વન્સી અને તીવ્રતા વધુ વધવાનું અનુમાન છે.