ઝારખંડમાં ખૂંટી જિલ્લાના તોરપા બ્લોક ખાતેથી એક ખૂબ જ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લગ્ન સમારંભ દરમિયાન આપસી મતભેદ બાદ ૬ જેટલા સગીરોએ યોજનાબદ્ધ રીતે એક ૧૦ વર્ષીય માસૂમ બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગેની સૂચના મળ્યા બાદ પોલીસે તમામ આરોપીઓને બાલસુધાર ગૃહમાં મોકલી આપ્યા છે. આ અંગે પંચાયતમાં ઉકેલ ન આવવાથી પીડિત બાળકીની માતાએ તપકરા થાણા ખાતે એફઆઈઆર દાખલ કરાવી હતી અને શુક્રવારે સમગ્ર બનાવ જાહેર થયો હતો.
ખૂંટીના તપકરા થાણાના પ્રભારી સત્યજીત કુમારે જણાવ્યું કે, એફઆઈઆર નોંધાવાયા બાદ પોલીસે શુક્રવારે જ ૫ સગીરોને ઝડપી લીધા હતા જ્યારે એક સગીર રવિવારે હાથમાં આવ્યો હતો. આરોપી અને પીડિતા સૌ આદિવાસી સમુદાયના છે. બુધવારે નજીકના એક ગામમાં લગ્ન હતા અને ૧૦ વર્ષીય પીડિતા પણ તેમાં સામેલ થવા માટે ગઈ હતી.
લગ્ન દરમિયાન બાળકીને જાનમાં આવેલા કેટલાક છોકરાઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ રાત્રિના સમયે તેણી એકલી પોતાના ગામ પરત ફરી રહી હતી ત્યારે વિવાદમાં સામેલ ૬ છોકરાઓએ યોજના ઘડીને તેનું અપહરણ કર્યું હતું. છોકરાઓ તેને બળજબરીથી પકડીને એક સૂમસામ સ્થળે લઈ ગયા હતા અને તેના સાથે કથિત સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પીડિતાએ ઘરે જઈને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ગુરૂવારે પંચાયત બોલાવીને આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયત્ન થયો હતો. જાેકે કોઈ નિવેડો ન આવતાં શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.