બિહાર કેડરની IAS ઓફિસર હરજોત કૌર ચર્ચામાં છે. આનું કારણ સેનેટરી પેડ્સ અંગે એક વિદ્યાર્થીના પ્રશ્નનો તેણે આપેલો જવાબ છે. IASના જવાબનો વીડિયો વાયરલ થતા જ તે લોકોના નિશાના પર આવી ગઈ હતી. IAS ઓફિસર હરજોત કૌર વિશે જણાવતા પહેલા, તેમના નિવેદન પર એક નજર કરીએ જે હેડલાઇન્સમાં છે.
બુધવારે, બિહારની રાજધાની પટનામાં, યુનિસેફ સેવ ધ ચિલ્ડ્રન એન્ડ પ્લાન ઇન્ટરનેશનલ હેઠળ મહિલા અને બાળ વિકાસ નિગમ દ્વારા ‘સશક્ત બેટી સમૃદ્ધિ બિહાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 9મા અને 10મા ધોરણની છોકરીઓ પણ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ મહિલા વિકાસ નિગમના એમડી હરજોત કૌરને પૂછ્યું, “સરકાર યુનિફોર્મ, શિષ્યવૃત્તિ આપી રહી છે, તો શું તે 20-30 રૂપિયાના સેનેટરી પેડ ન આપી શકે?” આ સવાલના જવાબમાં હરજોત કૌરે કહ્યું કે, આ સવાલ પર ખૂબ તાળીઓ પડી રહી છે. શું આ માંગણીઓનો કોઈ અંત છે? કાલે 20 અને 30 રૂપિયામાં સેનેટરી પેડ, જીન્સ-પેન્ટ પણ આપી જ શકીએ છીએ, આવતીકાલે સુંદર શૂઝ પણ કેમ ન આપી શકીએ. પછી જ્યારે ફેમિલી પ્લાનિંગની વાત આવે તો કોન્ડમ પણ મફતમાં આપવા પડશે. બધું મફતમાં લેવાની આદત શું કામ છે.
હરજોત કૌર અહીં જ ન અટકી. તેણી આગળ કહે છે કે “સરકાર પાસેથી લેવાની શું જરૂર છે. તમારી જાતને એટલા સમૃદ્ધ બનાવો કે સરકાર પાસેથી કંઈ લેવાની જરૂર ન રહે. આ વિચારસરણી ખોટી છે. સરકાર ઘણું બધું આપી રહી છે”. આ જવાબથી કૌર ચર્ચામાં આવી હતી. બીજી તરફ, હરજોત કૌર કહે છે કે “મહિલા અધિકારો અને સશક્તિકરણ અંગેના મારા પ્રયાસો કોઈનાથી છુપાયેલા નથી. ભૂતકાળમાં જેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી, કેટલાક તોફાની તત્વોએ તેમના દ્વારા કાવતરું ગણીને મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે, મારા તરફથી નોટિસ મોકલવામાં આવી રહી છે. હરજોત કૌર બિહાર કેડરની 1992 બેચની IAS અધિકારી છે. હાલમાં તે મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર છે. કૌર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે.