રાજધાની દિલ્હીમાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકારે આવા વાહન માલિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે, જેમની પાસે તેમના વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. આવા લોકોને 6 મહિનાની જેલ અથવા 10 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે.
દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે પોતાના વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. નોટિસમાં વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લેવા અથવા દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવા 17 લાખ વાહનો છે, જેની પાસે પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. જેમાં 13 લાખ ટુ વ્હીલર અને ત્રણ લાખ કારનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 14 લાખ વાહન માલિકોને એસએમએસ મોકલવામાં આવ્યા છે કે તેઓ તેમના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે નહીં તો ભારે દંડ ભરવો પડશે.
અધિકારીઓના મતે દિલ્હીમાં 2-3 મહિના પછી પ્રદૂષણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો થાય. આવી સ્થિતિમાં આ વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, અધિકારીએ જણાવ્યું હતું કે જે વાહનો રસ્તા પર ન દોડતા હોય તેમને મુક્તિ આપવાની કાયદાકીય જોગવાઈ છે.
અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં જ એક નિવૃત્ત આર્મી કર્નલે ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર વિદેશમાં છે અને વાહન ગેરેજમાં પાર્ક છે. અધિકારીના જણાવ્યા અનુસાર, જે વાહનો રસ્તા પર નથી દોડતા તેમને પ્રદૂષણ પ્રમાણપત્રની જરૂર નથી. પરંતુ જો આવા વાહનો સર્ટિફિકેટ વગર રોડ પર દોડતા જોવા મળશે તો તેમને દંડ કરવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ મુજબ, જો કોઈ વાહન પીયુસી સર્ટિફિકેટ વગર રસ્તા પર ફરતું જોવા મળે તો માલિકને 6 મહિનાની જેલ અથવા 10000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 મુજબ, તમામ ટુ વ્હીલર્સને દર વર્ષે પીયુસી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જ્યારે ફોર વ્હીલરના કિસ્સામાં તે BS-IV માટે એક વર્ષ છે, જ્યારે અન્ય વાહનો માટે તેની અવધિ ત્રણ મહિના છે. PUC પ્રમાણપત્ર રીઅલ-ટાઇમ જનરેટ થાય છે અને વાહન નોંધણી ડેટાબેઝ સાથે સંકલિત થાય છે. ગયા વર્ષે પરિવહન વિભાગ દ્વારા 60 લાખથી વધુ પીયુસી પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. PUC પ્રમાણપત્રમાં, વાહનોમાં કાર્બન મોનોક્સાઇડ (CO) અને કાર્બન ડાયોક્સાઇડ (CO2) જેવા પ્રદૂષિત પરિબળોની તપાસ કરવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.