મહારાષ્ટ્રના અકોલામાં કોર્ટે મહિલા ખેલાડીને લાલચ આપીને યૌન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં પીડિતા ગર્ભવતી બની હતી. આરોપી કોચ શુદ્ધોધન સહદેવ અંભોર વિરુદ્ધ ઘણા નક્કર પુરાવા મળ્યા છે. જે બાદ કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી કોચે મહિલા ખેલાડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ખેલાડી બનાવવાના બહાને તેનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું. આ મામલો 30 જુલાઈ 2018નો છે.
પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી કોચે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવા બદલ તેને ટીમમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. જેના કારણે તે કોચની વાત માનવા માટે મજબૂર હતી. જેના કારણે પીડિતા ગર્ભવતી બની હતી. કિશોરીને પ્રસૂતિ માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેણે ત્યાં બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જ્યારે હોસ્પિટલ સ્ટાફને શંકા ગઈ કે આ કિશોરી અપરિણીત માતા બની ગઈ છે, ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
આ બાદ જ્યારે પોલીસે યુવતીની પૂછપરછ કરી તો તેણે આખી વાત તેમને જણાવી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી કોચને કસ્ટડીમાં લીધો હતો. અને જ્યારે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે આરોપી કોચે તેની સામેના તમામ આરોપોને ફગાવી દીધા. તેણે કહ્યું કે આ બાળક પણ તેનું નથી. આ પછી પોલીસે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો, જેમાં બાળકના પિતા આરોપી કોચ હોવાની પુષ્ટિ થઈ.
આ મામલે હવે કોર્ટે આરોપી કોચને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 3.10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય મહિલા કબડ્ડી ખેલાડીની છેડતીના કેસમાં પણ આરોપી કોચ શુદ્ધોધન અંભોરને કલમ 354 હેઠળ 5 વર્ષની અને કલમ 506 હેઠળ 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.