જો તમે SBI પાસેથી લોન લીધી છે તો હવે તમારે વધેલી EMI ચૂકવવી પડશે. દેશની સૌથી મોટી બેંક SBIએ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એસબીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે તે તમામ મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ-આધારિત ધિરાણ દર (MCLR)માં 0.25 ટકાનો વધારો કરશે. MCLRમાં આ વધારાથી ગ્રાહકોની લોન EMI વધશે. બેંકની વેબસાઇટ અનુસાર નવા વ્યાજ દર 15 ડિસેમ્બર, 2022થી લાગુ થશે.
RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યા બાદ બેંકો તેમના MCLRમાં વધારો કરી રહી છે. રેપો રેટ હવે વધીને 6.25 ટકા થઈ ગયો છે. RBIએ સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ પછી જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે, મે 2022 થી, કેન્દ્રીય બેંકે મુખ્ય વ્યાજ દરોમાં 2.25 ટકાનો વધારો કર્યો છે.
આ તાજેતરના વધારા પછી રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દર 6 ટકાને વટાવી ગયો છે. આ તે દર છે કે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી ઉધાર લે છે. હવે જ્યારે બેંકો માટે આરબીઆઈની લોન મોંઘી થઈ રહી છે, ત્યારે તેઓ ગ્રાહકો માટે લોન પરના વ્યાજદરમાં પણ વધારો કરી રહી છે. નવા દરમાં વધારા બાદ SBIનો રાતોરાત MCLR 7.60 ટકાથી વધીને 7.85 ટકા થયો છે. SBIની વેબસાઈટ અનુસાર, MCLR એક મહિના અને ત્રણ મહિનાની મુદત માટે 7.75 થી વધીને 8 ટકા થઈ ગયો છે.
બેંકનો MCLR છ મહિના અને એક વર્ષના સમયગાળા માટે 8.05 ટકાથી વધીને 8.30 ટકા થયો છે. બે વર્ષના સમયગાળા માટે MCLR 8.25 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. તે જ સમયે, ત્રણ વર્ષના સમયગાળા માટે MCLR 8.35 ટકાથી વધીને 8.60 ટકા થયો છે.