લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાનું વાહન શ્યોક નદીમાં પડી ગયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 7 જવાન શહીદ થયા છે અને ઘણા જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાના નિવેદન અનુસાર 26 સૈનિકોની ટુકડી પરતાપુરથી હનીફ સબ-સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ તરફ જઈ રહી હતી. સવારે 9 વાગ્યાની આસપાસ વાહન સ્લીપ થઈ ગયું અને થોઈસથી લગભગ 25 કિમી દૂર શ્યોક નદીમાં પડી ગયું.
ઘાયલ 26 જવાનોને ત્યાંથી આર્મી ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ગંભીર ઈજાના કારણે 7 જવાનોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સેનાની સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર રવાના કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલોને એરફોર્સની મદદથી વેસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.