કર્ણાટકના શિવમોગામાં 23 વર્ષીય યુવક હર્ષની હત્યા કરવામાં આવી છે, જે બાદ શિવમોગામાં તણાવનો માહોલ છે. અહીં પોલીસે કલમ 144 લગાવી દીધી છે. મૃતક યુવક બજરંગ દળનો કાર્યકર હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે કર્ણાટકના શિવમોગા શહેરમાં રવિવારે રાત્રે બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યા બાદ જિલ્લામાં સ્થિતિ તંગ બની ગઈ છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે શિવમોગામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી છે.
જણાવી દઈએ કે શિવમોગાના ભારતી કોલોની સ્થિત કામત પેટ્રોલ પંપ પાસે 23 વર્ષીય હર્ષની રવિવારે રાત્રે અજાણ્યા બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જો કે હર્ષની હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, હત્યાના સમાચાર બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. શિવમોગામાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. હાલમાં સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. કર્ણાટકના ગૃહમંત્રી અર્ગા જ્ઞાનેન્દ્રએ મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.