ફુટપાથ પર બેઠેલાં મજૂરોને એક કારે કચડી નાંખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેલંગનાનાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાંક મજૂરોને એક કારે ટક્કર મારી દીધી હતી. જેમાં એક યુવતી સહિત ચાર મહિલાઓનું ઘટના સ્થળે મોત થઇ ગયુ છે. કાર કથિત રૂપે એક સગીર ચલાવતો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, ઘટના સવારે છ વાગીને ૫૦ મિનિટ પર બની હતી. આ વિસ્તારમાં કાર ચલાવતા સમયે ગાઢ ધુમ્મસને કારણે આંખો ચોળતા સમયે સગીરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છટક્યું હતું.
કાર ડિવાઇડરથી અથડાઇ હતી અને ફુટપાથ પર ચડી ગઇ જ્યાં બેઠેલાં લોકોને તેણે અડફેટે લીધા હતાં. પોલીસનાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર, ઘટનામાં ત્રણ મહિલા અને એક ૧૪ વર્ષિય યુવતીનું નિધન થઇ ગયુ છે. તેમણે જણાવ્યું કે, ત્રણનું ઘટના સ્થેળ જ મોત થઇ ગયુ હતું જ્યારે એકને હોસ્પિટલ લઇ જવામાં આવી તે સમયે રસ્તામાં તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કરીમનગરનાં પોલીસ આયુક્ત વી સત્યનારાયણે કહ્યું કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા સગીરે બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ અને કારથી ચારેય મહિલાઓને અને અન્યને ટક્કર મારી દીધી હતી. કિશોર નવમાં ધોરણનો વિદ્યાર્થી છે અને ઘટના સમયે કારમાં તેની સાથે બીજા બે સગીર મિત્રો પણ હતાં. ઘટના બાદ ત્રણેય સીગર કાર છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયા છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેયની ધરપકડ થઇ ગઇ છે. આ ઉપરાંત સગીર દીકરાને ગાડી ચલાવવાની પરવાનગી આપનાર કાર માલિકની પણ ધરપકડ થઇ ગઇ છે. પોલીસે જણાવ્યું કે, મજૂર પહેલાં ફુટપાત પર બનેલી અસ્થાયી ઝુપડીઓમાં રહેતા હતાં. જેને પોલીસ અને નગરનિગમનાં અધિકારીઓએ હાલમાં જ હટાવી દીધી હતી.