અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા તીર્થયાત્રીઓએ કેમેરા સામે પોતાનો અનુભવ કહ્યો અને ભારતીય સેનાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે બાબા અમરનાથે તેમને બચાવ્યા અને સેનાએ ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે.
નોંધનીય છે કે ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરમાં ફસાયેલા અમરનાથ યાત્રાના યાત્રિકોને બચાવવા માટે ભારતીય સેનાએ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે અમરનાથ યાત્રાની ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 35-40 શ્રદ્ધાળુઓ લાપતા છે, જ્યારે લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો ઘણા ઘાયલોને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અમરનાથ ધામ દુર્ઘટના બાદ બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. સેના આ કામમાં ઘણી મદદ કરી રહી છે, બચાવ કાર્ય માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે.
શનિવારે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે અમરનાથની પવિત્ર ગુફા પાસે ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં આર્મી, પોલીસ, એરફોર્સ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. 15મી કોર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ એસ.એસ. ઔજલા અને પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે લેફ્ટનન્ટ ગવર્નરને પવિત્ર ગુફાની નજીક ચાલી રહેલા બચાવ અભિયાન વિશે માહિતી આપી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે વહેલી તકે કાટમાળ હટાવવાના પ્રયાસો કરવા જોઈએ. સિંહાએ કહ્યું, ‘હું વિનંતી કરું છું કે પ્રવાસીઓ કેમ્પમાં જ રહે. વહીવટીતંત્ર તેમને આરામથી રહેવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. અમે યાત્રાને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.