જયપુરમાં લાગેલી ભયાનક આગમાં મૃતકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે, તેમાંથી 28 લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘાયલોની હાલત ગંભીર રહેવાને કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
બસની પરમીટ 16 મહિના પહેલા જ પૂરી થઈ ગઈ
રાજસ્થાનની રાજધાનીના આ ભયાનક અકસ્માતમાં અનેક મૃતકોના શબ એટલી ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ પણ નથી થઈ શકી. આવી લાશોની ઓળખ કરવા માટે સરકારે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. મૃતકોના ડીએનએ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના શબઘરમાંથી પરીક્ષણ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 6 મૃતદેહો છે જેની ઓળખ નથી થઈ રહી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગમાં સળગી ગયેલી બસની પરમીટ 16 મહિના પહેલા જ પૂરી થઈ ગઈ હતી.
20 ડિસેમ્બરે જયપુર-અજમેર હાઇવે પર સવારે લગભગ 6 વાગ્યે એલપીજી ટેન્કર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી પહોંચી હતી, જેમાં ત્યાંથી પસાર થતા લગભગ 40 વાહનોને લપેટમાં લીધા હતા. આ અકસ્માતના ઘણા ભયાનક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં જીવતા સળગાવાયેલા લોકોના રાખદાર શબ જોવા મળ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની તસવીરો પણ સામે આવી હતી, જેમાં 50 ટકાથી વધુ દાઝી ગયેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટની કમિટી ઓન રોડ સેફ્ટીએ મુખ્ય સચિવ પાસે અકસ્માત અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજસ્થાનના મુખ્ય સચિવ સુધાંશ પંતની સૂચનાથી આ અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સંયુક્ત તપાસ ટીમ અકસ્માતના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરશે. આ સમિતિ અકસ્માત માટે જવાબદાર વિભાગના બાંધકામ અને અન્ય પાસાઓની પણ તપાસ કરશે. આ મામલે સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટીએ 20 જાન્યુઆરી સુધીમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. જો કે કમિટી આવતા અઠવાડિયે જ રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
મૃતકોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપશે
અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકાર મૃતકોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપશે. સાથે જ કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. આ અકસ્માતમાં રાજસ્થાન પોલીસની 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ અનિતા મીના, જે ફરજ પરથી ઘરે પરત ફરી રહી હતી, તેનું પણ મોત નીપજ્યું હતું. આ સાથે જ ઓટો ડ્રાઈવર શત્રુધ્નએ જણાવ્યું કે ટક્કર બાદ થયેલા શક્તિશાળી વિસ્ફોટના કારણે તેનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો. તે તરત જ પોતાનો ઓટો છોડીને ભાગી ગયો અને કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો.
જયપુરના અજમેર નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતથી દેશમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો પણ પર્દાફાશ થયો છે. આ અકસ્માતમાં ૨૦ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઉદયપુરથી આવી રહેલી આ સ્લીપર બસમાં 34 મુસાફરો RJ-27 PC0030 હતા, જેમાં 20ને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ડ્રાઈવર-કંડક્ટર સહિત 14 મુસાફરોના ઠેકાણાં જાણી શકાયા નથી. ચોંકાવનારી વાત એ છે કે બસની પરમિટ 16 મહિના પહેલા એટલે કે 25 ઓગસ્ટ 2023ના રોજ એક્સપાયર થઈ ગઈ હતી. એટલું જ નહીં, બસની એઆઈટીપી (ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ) પણ 8 જુલાઈ 2024 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી.
કેનેડામાં રહેતા ભારતીયો માટે લોટરી લાગી! જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી મળી શકે છે સ્થાયી નાગરિકતા
અદાણી ગ્રુપ સામે યુએસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં સામેલ જજ રાજીનામું આપશે
એક્સપાયર થયેલી પરમિટનો અર્થ એ છે કે પરિવહન વિભાગ દ્વારા બસને રસ્તા પર ચલાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં તેને પકડીને જપ્ત કરવાની જવાબદારી આરટીઓની છે. આ અંગે ઉદયપુરની બસના માલિક અબ્દુલ સલીમ ખાનનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમની બસ ક્યારેય દોડતી નથી અને તેમણે અકસ્માતના દિવસે એટલે કે 19 ડિસેમ્બરે જ બુકિંગ લીધું હતું. જો કે ઓનલાઈન તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે રોજ બુકિંગ લઈ રહ્યો છે.