રસી બનાવતી કંપની ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા’ (SII) પાસેથી એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પુણે પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે છેતરપિંડી કરનારાઓએ SIIના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાના નામે એક સંદેશ મોકલીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરીને સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
બુંડાગાર્ડન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે છેતરપિંડી બુધવાર અને ગુરુવારની બપોર વચ્ચે થઈ હતી. વરિષ્ઠ નિરીક્ષક પ્રતાપ માનકરે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુના માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર અનુસાર SIIના એક ડિરેક્ટર, સતીશ દેશપાંડેને એક વ્યક્તિનો વોટ્સએપ મેસેજ મળ્યો જેણે પોતાની ઓળખ અદાર પૂનાવાલા તરીકે આપી હતી.
ફર્મના ફાઇનાન્સ મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ મોકલનાર દેશપાંડેને તરત જ અમુક બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું. ઇન્સ્પેક્ટર માનકરે કહ્યું કે આ સંદેશ સીઇઓ (મુખ્ય કાર્યકારી અધિકારી)નો છે એમ માનીને કંપનીના અધિકારીઓએ 1,01,01,554 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા.
તેણે કહ્યું પણ પછી ખબર પડી કે પૂનાવાલાએ ક્યારેય આવો કોઈ વોટ્સએપ મેસેજ મોકલ્યો નથી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. SIIનો પુણે પાસે પ્લાન્ટ છે. SII અન્ય રસીઓમાં એન્ટિ-કોરોનાવાયરસ રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે.