કાશ્મીરના પહેલગામમાં ITBPના જવાનો સાથે પરત ફરી રહેલી બસ 100 ફૂટ ઊંડી નદીમાં પડી હતી. અકસ્માતનું કારણ બસની બ્રેક ફેઈલ હોવાનું કહેવાય છે. બસમાં 39 જવાન સવાર હતા. તમામ અમરનાથ યાત્રા કરીને ફરજ પરથી પરત ફરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, 7 થી વધુ સૈનિકોના મોત થયા છે. 39માંથી 37 ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)ના છે અને બાકીના 2 જમ્મુ અને કાશ્મીર પોલીસના છે.
સૈનિકો સાથે પરત ફરી રહેલી બસ અમરનાથ યાત્રાના પ્રારંભિક સ્થળ ચંદનવાડીથી પરત ફરી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ નદીમાં પડી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને હોસ્પિટલ લઈ જવા માટે મોટાપાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસડીપીઓ પહેલગામ ફહદ તકે પુષ્ટિ કરી છે કે ત્રણથી ચાર જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે 37 અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.