ભારતની જેલમાં કેદીઓ વચ્ચેના શારીરિક સંબંધોના કારણે તેઓ એચઆઈવી એઈડ્સ જેવી બીમારીનો ભોગ બન્યા હોવાના અહેવાલે ભારે ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે વિશ્વના સૌથી શક્તિશાળી તથા સ્ત્રી સ્વાતંત્ર્યની મશાલ લઈને સૌથી આગળ ચાલનારા અમેરિકામાં એક ખૂબ જ ચોંકાવનારો અને ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. કુલ ૮ મહિલાઓએ ગત તા. ૨૨ જુલાઈના રોજ ક્લાર્ક કાઉન્ટીના શેરીફ જેમી નોએલ તથા જેલના વર્તમાન તથા પૂર્વ અધિકારીઓ સામે એક દાવો માંડ્યો છે.
તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમેરિકી રાજ્ય ઈન્ડિયાના ખાતેની જેલના પુરૂષ કેદીઓએ જેલના પ્રતિબંધિત એવા મહિલાઓના વોર્ડમાં રાત્રિના સમયે પ્રવેશ મેળવ્યા બાદ મહિલા કેદીઓને પોતાની હવસનો ભોગ બનાવી હતી અને અત્યાચાર કર્યો હતો. કોર્ટના રેકોર્ડ પ્રમાણે ગત જૂન મહિનામાં પણ ૨૦ મહિલાઓએ આ પ્રકારના કથિત બનાવ અંગે દાવો માંડ્યો હતો.
ફરિયાદી મહિલાઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ જેલના અધિકારી ડેવિલ લોવેએ ૨ પુરૂષ કેદીઓને ૧,૦૦૦ ડોલરના બદલામાં જેલના આંતરિક વિભાગોની ચાવીઓ સોંપી દીધી હતી. એ રાત્રિએ તે બંને પુરૂષ કેદીઓ તેમના સહવાસી કેદીઓ સાથે જેલમાં મહિલાઓને રાખવામાં આવે છે તે પ્રતિબંધિત વિસ્તારોમાં ધસી આવ્યા હતા.
અનેક કેદીઓએ લોવે પાસેથી મળેલી ચાવીઓ દ્વારા ૪(ઈ) અને ૪(એફ) નંબરના શેલ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પુરૂષ કેદીઓએ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી આવીને અનેક કલાકો સુધી ફરિયાદી મહિલાઓ ઉપરાંતની ત્યાં રહેલી અન્ય મહિલા કેદીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમણે તે મહિલાઓ પર હુમલો કર્યો હતો, તેમની પજવણી કરી હતી, તેમને ધમકીઓ આપી હતી અને ડરાવી હતી. આ કારણે મહિલા કેદીઓ શારીરિક અને માનસિક રીતે ઘવાઈ હતી. ઈન્ડિયાનાના દક્ષિણી જિલ્લામાં આવેલી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ પ્રકારનો દાવો માંડવામાં આવ્યો છે.
ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પુરૂષોએ મહિલા કેદીઓને એવી ધમકી આપી હતી કે, જાે તેઓ ઈમરજન્સી કોલ બટનનો ઉપયોગ કરશે તો તેમને વધુ નુકસાન પહોંચાડવામાં આવશે. ચોંકાવનારી વાત એ પણ છે કે, હુમલાઓની આ સમગ્ર ઘટના સર્વેલન્સ વીડિયોમાં દૃશ્યમાન હોવા છતાં પણ આખી રાત જેલના કોઈ જ અધિકારીઓ તે મહિલાઓની મદદમાં નહોતા આવ્યા.
૨૩મી ઓક્ટોબરની રાત્રિએ બનેલી ઘટના બાદ પણ જેલના અધિકારીઓએ મહિલા કેદીઓને સજા આપી હતી. તેમણે સતત ૭૨ કલાક સુધી લાઈટ ચાલુ રાખીને મહિલા કેદીઓને પ્રતાડિત કરી હતી. ઉપરાંત તેમના તકિયા, ગાદલાં અને સ્વચ્છતા માટેની વસ્તુઓ છીનવીને તેમના સામાન્ય વિશેષાધિકારોનું પણ હનન કર્યું હતું.
આ કથિત બનાવ બાદ લોવેને બરતરફ કરવામાં આવ્યો હતો અને તેના પર એક કેદી સાથે તસ્કરી, તેને છટકી જવામાં મદદ કરવાનો અને સત્તાવાર ગેરવર્તણૂકનો આરોપ મુકવામાં આવ્યો હતો. ગત જૂન મહિનામાં ૨૦ મહિલાઓએ નોએલ, લોવે અને જેલના અનામી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી તથા બંને કેસમાં મહિલાઓએ નુકસાની પેટે વળતર તથા કાયદાકીય પ્રક્રિયાની માગણી કરી છે. જૂન મહિનાની ઘટના બાદ દુષ્કર્મના આરોપોની આંતરિક તપાસ થઈ હતી પરંતુ દુષ્કર્મનો કોઈ જ આરોપ દાખલ નહોતો થયો.