ક્રિકેટ જગતની સૌથી મોંઘી ટુર્નામેન્ટ આઈપીએલમાં મેચ ફિક્સિંગનુ ભૂત ફરી ધુણ્યુ છે.જેના પગલે ક્રિકેટ જગતમાં ફરી ખળભળાટ વ્યાપી ગયો છે. આઈપીએલમાં કોલકાતા, મુંબઈ અને પંજાબની ટીમ તરફથી તેમજ રણજી ટ્રોફી પણ રમી ચુકેલા ક્રિકેટર રાજગોપાલ સતીષે દાવો કર્યો છે કે, મને ફિક્સિંગ માટે ૪૦ લાખ રુપિયા ઓફર કરવામાં આવ્યા હતા. આ મામલામાં બેંગ્લોર પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.સતીષે પોલીસને ફરિયાદ કરવાની સાથે સાથે ભારતના ક્રિકેટ બોર્ડ તેમજ આઈસીસી સમક્ષ પણ આ બાબતની જાણકારી આપી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટનુ કહેવુ છે કે, સતીષે અમારો સંપર્ક કર્યો હતો અને અમે આ મામલાની જાણકારી મેળવી છે.પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એન્ટી કરપ્શન યુનિટના શબ્બીર ખંડવાવાલાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યા પ્રમાણે સતીષનો કોઈએ સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યો હતો.જેનુ નામ બની આનંદ હતુ અને તેણે ૪૦ લાખ રુપિયાની ઓફર કરી હતી.બે ખેલાડીઓએ આ માટે તૈયારી પણ બતાવી હતી પણ સતીષે તેના માટે ઈનકાર કરી દીધો હતો. સતીષ આઈપીએલમાં ૩૪ મેચ રમી ચુકયો છે.છેલ્લે તે ૨૦૧૬માં મેચ રમ્યો હતો.તેનુ આઈપીએલમાં એવરેજ ૧૫.૮૮નુ રહ્યુ છે.તેણે ૨૭૦ રન બનાવ્યા હતા.