આ દિવસોમાં વીજળી સંકટને કારણે દેશમાં ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિમાં હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ઉર્જા મંત્રી આરકે સિંહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર છે. કોલસાની અછતને કારણે દેશમાં વીજળીનું સંકટ સર્જાયુ છે. વધતી ગરમી વચ્ચે જુદા જુદા રાજ્યોમાં વીજકાપ ચાલુ છે. વિરોધ પક્ષોએ થર્મલ પ્લાન્ટ્સમાં કોલસાની અછત માટે કેન્દ્રને જવાબદાર ઠેરવ્યું છે.
વિજળી સંકટને ધ્યાનમાં રાખીને કોલસાના માલની હેરફેર વધારવા માટે રેલવેએ અત્યાર સુધીમાં લગભગ 50 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. જેના કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા કોલસા ઉત્પાદક રાજ્યોમાંથી આવતા લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા અઠવાડિયે જ્યાં સોમવારે પાવરની અછત 5.24 GW હતી, તે ગુરુવારે વધીને 10.77 GW થઈ ગઈ. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (POSOCO)ના નવીનતમ ડેટા અનુસાર રવિવારે પીક પાવર ડેફિસિટ માત્ર 2.64 GW હતી જે સોમવારે વધીને 5.24 GW, મંગળવારે 8.22 GW, બુધવારે 10.29 GW અને ગુરુવારે 10.77 GW થઈ ગઈ.
દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીતેલા સપ્તાહમાં ત્રણ વખત વીજ પુરવઠો રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. મંગળવારે પીક પાવર ડિમાન્ડ રેકોર્ડ 201.65 ગીગાવોટ પર પહોંચી હતી. તે 7 જુલાઈ, 2021ના રોજ 200.53 GW હતી. ગુરુવારે મહત્તમ વીજ માંગ 204.65 GW ની વિક્રમી ઊંચી સપાટીએ હતી અને શુક્રવારે 207.11 GWની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. બુધવારે તે 200.65 GW હતી.