મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ફોન કરનારે રિલાયન્સની હોસ્પિટલને ઉડાવી દેવા ઉપરાંત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આજે બપોરે લેન્ડલાઈન નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. હાલમાં મુંબઈ પોલીસે તે નંબરની ઓળખ કરી લીધી છે જ્યાંથી કોલ આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્ર બહારથી કોલ આવ્યો હતો. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે તે ફોન કોલનું લોકેશન ટ્રેસ થઈ ગયું છે.
સૂત્રોએ જણાવ્યું કે હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર કોલ કરનારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને તેમના બાળકો આકાશ અંબાણી અને અનંત અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી છે. જોકે, આ મામલે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી છે.