India News: મહારાષ્ટ્રના નાગપુરમાં ગ્રાહકોને રીઝવવા માટે એક જંતુનાશક દવા બનાવતી કંપનીએ એક રિસોર્ટમાં પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં ડાન્સર્સને બોલાવીને નગ્ન ડાન્સ કરાવવામાં આવ્યો હતો. નાગપુર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની જાણ થતાં તેમણે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પાર્ટીમાં સામેલ થયેલા અનેક લોકોની અટકાયત કરી હતી. પોલીસે રિસોર્ટના માલિક અને તેના મેનેજરની પણ ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે મોડી રાત્રે પોલીસને નાગપુરના કુહી પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવમાં સિલ્વરી લેક ફાર્મ રિસોર્ટમાં ન્યૂડ પાર્ટીની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. રિસોર્ટમાં પોલીસના દરોડાના કારણે પાર્ટીમાં સામેલ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે 37 લોકોની ધરપકડ કરી હતી
પોલીસે 37 લોકોની ધરપકડ કરી હતી, જેમાં રિસોર્ટના માલિક રાજબાપુ મુથૈયા અને મેનેજર વિપિન યશવંતનો પણ સમાવેશ થાય છે. ઘણા ડાન્સર્સ અને તેમને લાવનાર ભૂપેન્દ્ર ઉર્ફે મોન્ટી સુરેશ આને પણ પોલીસ કસ્ટડીમાં છે. રિસોર્ટમાં ન્યૂડ પાર્ટીના સમાચારથી લોકો ચોંકી ઉઠ્યા હતા. નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે પોલીસને રિસોર્ટમાં ટૂંકા વસ્ત્રો પહેરેલી યુવતીઓ ડાન્સ કરતી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસે દરોડો પાડીને ત્યાં હાજર લોકોની અટકાયત કરી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 49 લાખ, વિદેશી દારૂ અને પાંચ કાર મળી આવી છે.
જંતુનાશકનો વેપાર કરતી કંપનીએ પાર્ટીનું આયોજન કર્યું
નાગપુરના એક રિસોર્ટમાં પેસ્ટીસાઇડ કંપની દ્વારા ન્યૂડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પકડાયેલી પાર્ટીમાં સામેલ લોકો વર્ધા અને અમરાવતીમાં કૃષિ સેવા કેન્દ્રોના ડિરેક્ટર છે. જંતુનાશકોનો વેપાર કરતી કંપનીએ રૂ. 75 હજારથી વધુની કિંમતની જંતુનાશક દવાઓ ખરીદનારાઓને લોભાવવા માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં 13 ડાન્સરને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.